Site icon Gujarat Mirror

પરાજિત પક્ષ કદી શરતો લાદી શકે નહીં: ઇરાનનો હુંકાર

પોતાના રાષ્ટ્રીય હિતોને અગ્રતા ગણાવીને અમેરિકાના એકતરફી યુદ્ધવિરામની હાંસી ઉડાવતું ઇરાન

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ એકતરફી રીતે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો છે.

ઈરાનની સંસદના સ્પીકરના સલાહકાર મહેદી મોહમ્મદીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પનું સીઝફાયર એક્સટેન્શન કોઈ અર્થ ધરાવતું નથી, કારણ કે હારનાર પક્ષ ક્યારેય શરતો લાદી શકે નહીં. ઈરાનના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તેહરાન અત્યારે અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે.

જોકે વિશ્વ માટે રાહતની વાત છે કે બંને દેશો તરફથી આક્રમક નિવેદનો છતાં અત્યારે ન તો મોટા પાયે હુમલા થઈ રહ્યા છે, ન તો સૈન્ય ગતિવિધિઓ વધી છે. નિષ્ણાતોના મતે, આ એક એવી સ્થિતિ છે જ્યાં કોઈ પણ પક્ષ ખુલ્લેઆમ પાછળ હટવા તૈયાર નથી પણ સામે મોટું યુદ્ધ છેડવાનું જોખમ પણ લેવા માંગતો નથી. બીજી તરફ, અમેરિકાએ દાવો કર્યો છે.

કે ઈરાન સરકારમાં આંતરિક રીતે ભારે મતભેદો છે, જેને કારણે તેઓ કોઈ મક્કમ નિર્ણય લઈ શકતા નથી. આ જ કારણસર પાકિસ્તાનને વધુ સમય આપવામાં આવ્યો છે જેથી કોઈ નક્કર સમજૂતીનો માર્ગ મોકળો થઈ શકે.
ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સનો ઇસ્લામાબાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે અને એ પહેલાથી જ ઈરાને પણ પોતાના પ્રતિનિધિઓ મોકલવાની ના પાડી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા દ્વારા કરવામાં આવેલી નૌકાદળની નાકાબંધીને ’એક્ટ ઓફ વોર’ એટલે કે યુદ્ધ સમાન ગણાવી છે.

તેમણે સ્પષ્ટ કર્યું છે કે નાકાબંધી પોતે જ સીઝફાયરનું ઉલ્લંઘન છે. હાલમાં હોર્મુઝની ખાડી અને ન્યુક્લિયર પ્રોગ્રામ મુખ્ય વિવાદના મુદ્દા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો સમજૂતી નહીં થાય તો બોમ્બમારો ફરી શરૂૂ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ ગજગ્રાહ શાંતિ મંત્રણા તરફ વળે છે કે પછી ફરી એકવાર રણમેદાનમાં ફેરવાય છે.

Exit mobile version