સૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆત

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી માયાજાળ ફેલાવી ભોળા લોકોને રોકાણના નામે લૂંટનાર કુખ્યાત ઠગ ચેતન વલ્લભભાઈ વાછાણીનો શિકાર બનેલા છેતરાયેલા અનેક…

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી માયાજાળ ફેલાવી ભોળા લોકોને રોકાણના નામે લૂંટનાર કુખ્યાત ઠગ ચેતન વલ્લભભાઈ વાછાણીનો શિકાર બનેલા છેતરાયેલા અનેક રોકાણકારોએ એકઠા થઈને રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ ’મહાઠગ’ અને તેના પરિવાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તથા તેને પાસા હેઠળ જેલ કાર્યવાહી કરવા માંગ કરી છે.મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરનો વતની અને હાલ રાજકોટના નવા રિંગ રોડ પર વિઝન હાઈટ્સમાં રહેતો ચેતન વાછાણી પોતાની વાકચાતુર્યથી લોકોને પ્રભાવિત કરતો હતો. તે જાણીતા સોશિયલ ગ્રુપમાં જોડાઈને લોકો સાથે પારિવારિક સંબંધો કેળવતો અને ત્યારબાદ તેની જાળમાં ફસાવતો હતો.

તે લોકોને વિવિધ સ્કીમો, ઉંચું વળતર, સબસીડીવાળી લોન, અને ફિક્સ ડિપોઝિટ જેવી લાલચો આપી ખોટી કંપનીઓમાં રોકાણ કરાવતો હતો. લોકોના પરસેવાની કમાણી મેળવી લીધા બાદ તે નાણાંનો અંગત ઉપયોગ કરતો હતો. જ્યારે રોકાણકારો પોતાના નાણાં કે હિસાબ માંગતા, ત્યારે તે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ધાક-ધમકી આપતો હતો. નવાઈની વાત એ છે કે, આ છેતરપિંડીમાં તેનો પરિવાર પણ પૂરો સાથ આપતો હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

આ ઠગબાજે માત્ર મોટા રોકાણકારો જ નહીં, પરંતુ પોતાની ફેક્ટરીના શેડ પાસે બેસતા લારી-ગલ્લાવાળા અને નાના વેપારીઓને પણ વિશ્વાસમાં લઈને શીશામાં ઉતાર્યા હતા. અનેક લોકો પાસેથી કુપન, આધાર કાર્ડ અને સરકારી લોન અપાવવાના બહાને લાખો રૂૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે રોકાણકારો તેના ઘરે પૈસાની ઉઘરાણી કરવા જતા, ત્યારે તેમની સામે જ સામી ફરિયાદ કરવાની ધમકીઓ આપી તેમને ડરાવવામાં આવતા હતા. આવેદનપત્રમાં વિજય મુળજીભાઈ ગઢીયા, સાગર રવજીભાઈ, સંજય કળથીયા, ભાવેશ સેલડીયા સહિત અનેક પીડિતોએ સહી કરી ન્યાયની માંગ કરી છે. રોકાણકારોએ જણાવ્યું કે, ચેતન વાછાણી ફોન ઉપાડવાનું બંધ કરી દેતો હતો અને ગર્ભિત ધમકીઓ આપતો હતો, જેથી કંટાળીને આખરે પોલીસનો આશરો લેવો પડ્યો છે.

આ લડતમાં જોડાયેલા અન્ય રોકાણકારોમાં સાગર પાનસુરીયા, જયવન વણપરીયા, રાહુલ ઘેલાણી, ઉદય વઢવાણા અને અંકિત સોરઠીયા સહિતના અનેક લોકોએ હાજર રહીને રજૂઆત કરી હતી કે, આવા ઠગ તત્વોને કારણે સમાજમાં પ્રામાણિક લોકોનો વિશ્વાસ ડગી રહ્યો છે. પોલીસ કમિશનર આ મામલે તટસ્થ તપાસ કરી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલે તેવી રોકાણકારોની આશા છે. સાથે જ, અન્ય ભોગ બનેલા લોકોને પણ નિર્ભય થઈને આગળ આવવા અપીલ કરવામાં આવી છે.