ક્રાઇમ

રાજકોટની સિવિલ હોસ્પિ.માં નર્સના ગળે છરી મૂકી લૂંટનો પ્રયાસ

Published

on

રાત્રે પોલીસ ચોકીની સામે જ બનેલી ચોંકાવનારી ઘટના, દેકારો મચી જતાં ટોળાંએ પરપ્રાંતીય શખ્સને ઝડપી લઈ પોલીસને સોંપ્યો

કોલકત્તાની આરજીકાર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ઘટના બાદ રાત્રી દરમિયાન સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ અને સ્ટાફને સુરક્ષા આપવાના સરકારના વાયદા વચ્ચે પોલીસ ચોકી નજીક જ રાજકોટમાં મહિલા નર્સના પાછળથી મોઢે ડુમો દઈ ગળા પર છરી રાખી લુંટ ચલાવવાના પ્રયાસની ઘટનાબનતા સનસનાટી મચી ગઈ છે અને હોસ્પિટલ દ્વારા કરોડોના ખર્ચે સિક્યોરીટીની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જો કે, આ મામલે દેકારો થતાં ટોળાએ મહિલા નર્સને છરી બતાવી લુંટવાનો પ્રયાસ કરનાર પરપ્રાંતિય શખ્સની ધરપકડ કરી પોલીસ હવાલે કર્યો હતો. આ મામલો સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા કરતી ખાનગી સિક્યોરીટીની બેદરકારીપણ સામે આવી છે.


મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ અને સ્ટાફ સહિતની સુરક્ષા વ્યવસ્થા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે રાત્રે પોલીસચોકી સામે જ બનેલી આ ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. સિવિલહોસ્પિટલમાં મહિલા નર્સ પોતાની નોકરી પુરી કરી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગમાં રાખેલ પોતાનું સ્કૂટર લઈ ઘરે જવા નિકળવાનીતૈયારી કરતા હતા ત્યારે પોલીસ ચોકીની નજીક જ એક શખ્સ મહિલા નર્સનીપાછળ ધસી આવ્યો હતો અને મોઢે ડુમો દઈ આ મહિલા નર્સના ગળા ઉપર છરી રાખી દીધી હતી અને ધારદાર છરી ગળા પર રાખી મહિલા નર્સે પહેરેલ સોનાના ચેઈનની લૂંટનો પ્રયાસ કર્યો હતો.


આ મહિલા નર્સે દેકારો કરતા ત્યાં હાજર દર્દીના સગાઓ તેમજ સિક્યોરીટી સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો અને ધારદાર છરી સાથે મહિલા નર્સને લુંટવાનો પ્રયાસ કરનાર શખ્સને ટોળાએ ઝડપી લઈ તેને મેથીપાક ચખાડ્યો હતો અને આ મામલે પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને આ શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ પકડાયેલ શખ્સ મુળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના સલેમપુર તાલુકાના બઢ્યા હડદો ગામનો અને હાલ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ પાસે જ રખડતો ભટકતો રહેતો અમરજીતકુમાર રાજવંશીપ્રસાદ યાદવ ઉ.વ.25 હોવાનું ખુલ્યું હતું. આ શખ્સને બે મહિના પૂર્વે જ દેશી દારૂ સાથે સિવિલ હોસ્પિટલમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.


સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા આવારા અને લુખ્ખા તત્વો સામે અગાઉ પોલીસે ચેકીંગ કરી મુહીમ ચલાવી કાયદેસરની કાર્યવાહી કર્યા છતાં સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા તત્વોને નિશુલ્ક ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા મળી જતી હોય જેથી આવા ગુનેગારો અને લુખ્ખાઓ ત્યાં જ અડ્ડો જમાવીને આવા શખ્સો ગુનાને અંજામ પણ આવે છે. જો કે મહિલા નર્સની સતર્કતાથી રાત્રે મોટી ઘટના બનતી અટકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version