Site icon Gujarat Mirror

કુવાડવા રોડ પાસે કવાર્ટરમાં મકાનમાંથી 79 હજાર મતાની ચોરી, સખી સામે શંકાની સોય

કુવાડવા રોડ પરની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદી શિતલબેન સંજયભાઈ લિંબાસીયાએ અજાણ્યા શખ્સ અથવા તેમની ઓળખીતા મુસ્કાનબેન સામે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 12/04ના રોજ સવારના 10:00 થી સાંજ ના 19:00 વાગ્યા દરમિયાન ફરિયાદીના બંધ ફ્લેટમાંથી કુલ ₹79,000ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરી થયેલ વસ્તુઓમાં અડધા તોલાની સોનાની પાંદડી ₹.40,000, સોનાની કડીઓ, બાળકના કાનના સોનાના દાણા, સોનાનું પેન્ડન્ટ, ચાંદીની ઝાંઝરી અને ₹1000 રોકડાનો સમાવેશ થાય છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમના પતિ કચ્છ ગયા હોવાથી તેઓ ઘરે એકલા હતા. તે દિવસે બપોરે તેમની બહેનપણી મુસ્કાનબેન રિયાજભાઈ સરવદી પ્રસંગમાં જવા માટે સાડી લેવાના બહાને ઘરે આવ્યા હતા. મુસ્કાનબેને કપડાં બદલવાનું કહીને શિતલબેનને બેડરૂૂમની બહાર મોકલી દીધા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડીવાર પછી તેઓ સાડી લઈને ત્યાંથી નીકળી ગયા હતા.

જ્યારે શિતલબેન સાંજે તેમના માતાના ઘરે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને તિજોરી ખોલી, ત્યારે તમામ ઘરેણાં અને રોકડ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ સંજોગોને કારણે ફરિયાદીએ તેમની સખી પર જ ચોરી કરી હોવાની મજબૂત શંકા વ્યક્ત કરી છે. આ બનાવ અંગે શિતલબેને 14/04ના રોજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 305(એ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર પ્રેમજીભાઈ ચાવડાને સોંપવામાં આવી છે.

Exit mobile version