વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા, ઊર્જા પુરવઠા અને આવશ્યક વસ્તુઓ પર પડતી અસરનું મૂલ્યાંકન કરવા માટે સાત અધિકૃત જૂથો (Empowered Groups)ની રચના કરવાની જાહેરાત કરી છે. મંગળવારે રાજ્યસભામાં વિધાન કરતાં વડાપ્રધાને કહ્યું કે આ સંઘર્ષે વિશ્વની અર્થવ્યવસ્થાઓને હચમચાવી નાખી છે અને પશ્ચિમ એશિયામાં થયેલા નુકસાનમાંથી સાજા થવામાં લાંબો સમય લાગશે. પીએમ મોદીએ કોવિડ-19 મહામારી વખતે અપનાવેલા મોડલનો હવાલો આપતાં જણાવ્યું કે આ સાત જૂથો ત્વરિત પ્રતિસાદ ટીમ તરીકે કાર્ય કરશે.
આ જૂથો પેટ્રોલ-ડીઝલ, ખાતર, ગેસ, સપ્લાય ચેઇન અને મોંઘવારી જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વડાપ્રધાને કહ્યું, હું પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે સહયોગ અને સંકલિત પ્રયાસો દ્વારા અમે આ પરિસ્થિતિને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરી શકીશું.
આ સાત પેનલ્સમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. તેમનું કાર્ય છે જોખમોનું નિર્ધારણ કરવું અને ટૂંકા, મધ્યમ તેમજ લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરવી. આ જૂથો ઊર્જા પુરવઠા અને કિંમતોમાં નબળાઈઓનું મૂલ્યાંકન કરશે, વ્યૂહાત્મક અનામતોની પર્યાપ્તતા જોશે, કિંમત વધારાનું નિયંત્રણ કરશે અને પુરવઠા વિક્ષેપને રોકવા પગલાં લેશે.
વધુમાં, આ જૂથો શિપિંગ રૂૂટ્સ, બંદરો, વિમાન માર્ગો અને મહત્વના આયાતોમાં અવરોધોની તપાસ કરીને પૂર્વ-નિવારક પગલાં સૂચવશે. કોઈ એક પ્રદેશ પર આધારિતતા ઘટાડવા માટે વૈકલ્પિક આયાત સ્ત્રોતો શોધવા પર પણ ભાર મૂકવામાં આવશે. ખાદ્યપદાર્થો, ખાતર અને ઇંધણ જેવી આવશ્યક વસ્તુઓની ઘરેલુ ઉપલબ્ધતા અને કિંમત સ્થિરતા પર સતત નજર રાખવામાં આવશે.
રાજ્યસભામાં પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર સતર્ક અને સક્રિય છે. એક આંતર-મંત્રાલયી જૂથ પહેલેથી જ નિયમિત બેઠકો કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે. તેમણે લોકોને આશ્વાસન આપ્યું, હું લોકોને આશ્વાસન આપું છું કે સરકાર સતર્ક છે અને દરેક જરૂૂરી નિર્ણય ગંભીરતાથી લઈ રહી છે.
કોવિડ કાળમાં સરકારે 11 આવા અધિકૃત જૂથો બનાવીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધ્યું હતું. આ વખતે પણ તે જ અભિગમ અપનાવવામાં આવ્યો છે. વર્તમાન સંકટમાં ઊર્જા સંકટની સંભાવના વચ્ચે આ પગલાંને સરકારની સક્રિય તૈયારી તરીકે જોવામાં આવી રહ્યાં છે.

