Site icon Gujarat Mirror

શાપર-વેરાવળમાં ગેસ આધારિત 600 ઉદ્યોગોને અસર, સરકારમાં રજૂઆત

50 ટકા કાપના બદલે વાર્ષિક સરેરાશના આધારે ગેસ આપવા અને ભાવ વધારામાં રાહત આપવા માગણી

ઈરાન-ઈઝરાયલ યુધ્ધના કારણે ઔદ્યોગિક અને કોમશિર્યલ ગેસ પુરવઠો બંધ કરાતા ઉદ્યોગો ઉપર ગંભીર અસર પડવા લાગી છે અને રાજકોટનાં અનેક ઉદાયોગો બંધ કરવા પડે તેવી સ્થિછતિ સર્જાતા આજે રાજકોટથી ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર દોડી ગયું હતું અને ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયા તધા ઋષિકેશ પટેલ સમક્ષ ઉદ્યોગો માટે ગેસની રજૂઆત કરી હતી.

રાજકોટના વિવિધ ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને સાથે રાખી ઉર્જામંત્રી સમક્ષ ગેસનો પુરવઠો જાળવી રાખવા રજુઆત કરી હતી. મંત્રીએ પણ સ્થિતિ મુજબ ગેસની ફાળવણી યોગ્ય રીતે થાય તે માટે હૈયાધારણા આપી હતી.

રાજકોટના શાપર-વેરાવળ ઉદ્યોગ વિસ્તારમાં ગેસ સપ્લાયમાં કાપને કારણે ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. ઉદ્યોગમાં ગેસના ઘટાડાથી અનેક યુનિટો પર સીધી અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શાપર-વેરાવળના ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ સરકાર સમક્ષ રજૂઆત કરવા ગયું હતું. જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉદ્યોગકારો શટડાઉન જેવી સ્થિતિમાં જવા મજબૂર બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં અંદાજે 2000થી વધુ ઉદ્યોગ યુનિટ કાર્યરત છે, જેમાંથી લગભગ 600 જેટલા યુનિટ ગેસ પર આધારિત છે. તાજેતરમાં ગેસ સપ્લાયમાં થયેલા કાપને કારણે અનેક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે અને તેની સીધી અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસનો ઉપયોગ ખાસ કરીને કાસ્ટિંગ, ફોર્જિંગ અને હીટ ટ્રિટમેન્ટ જેવા ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં થાય છે. આ ઉદ્યોગોમાં ગેસ વિના ઉત્પાદન પ્રક્રિયા ચલાવવી ખૂબ મુશ્કેલ બને છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થતાં આ ઉદ્યોગોમાં ઉત્પાદન ધીમું પડી રહ્યું છે અને ઘણા યુનિટોમાં કામકાજ પ્રભાવિત થયું છે.

ઉદ્યોગકારો દ્વારા અલગ અલગ માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ઉદ્યોગોને 50 ટકા જેટલો ગેસ વાપરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ ઉદ્યોગકારોની માંગ છે કે છેલ્લા એક મહિનાની સરેરાશને બદલે છેલ્લા 12 મહિનાની સરેરાશ મુજબ ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે જેથી ઉત્પાદન પર ઓછો પ્રભાવ પડે. ઉપરાંત 50 ટકા કરતાં વધુ ગેસ વપરાશ પર ત્રણ ગણો વધારે ભાવ વસૂલવાની વાત ચાલી રહી છે, તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે શાપર-વેરાવળ વિસ્તારના ઘણા ઉદ્યોગો ડિફેન્સ ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. આવા ઉદ્યોગોમાં ઉત્પાદન અટકશે તો તેની અસર અન્ય મહત્વપૂર્ણ સપ્લાય ચેન પર પણ પડી શકે છે. તેથી સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવો જરૂૂરી છે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે.

માર્ચ એન્ડિંગમાં ઓર્ડરો સમયસર પૂરા કરવાની ઉદ્યોગકારોને ચિંતા

ઉદ્યોગકારો માટે આ સમય વધુ મહત્વપૂર્ણ છે કારણ કે માર્ચ મહિનાના અંત સાથે અનેક ઓર્ડરો પૂર્ણ કરવાની સમયમર્યાદા નજીક આવી રહી છે. ઘણા ઉદ્યોગકારોએ અગાઉથી ઓર્ડર સ્વીકારેલા હોય છે અને તેમને સમયસર પૂરા કરવાની જવાબદારી હોય છે. પરંતુ ગેસ સપ્લાયમાં અચાનક ઘટાડો થતાં ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ આવ્યો છે અને જેના કારણે ઉદ્યોગકારોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાપર-વેરાવળના ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ સરકાર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યું હતું.

Exit mobile version