Sports
WTCની ફાઇનલ માટે 5 ટીમ દાવેદાર
હાલમાં ભારત પોઇન્ટ ટેબલમાં નંબર વન પણ હજુ ચાર મેચ જીતવી જરૂરી
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ટીમની આ સૌથી મોટી ટેસ્ટ જીત હતી. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ ઓવલ ખાતે રમાશે. જીતના કારણે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે.
ભારતીય ટીમ ફરી WTC ટેબલમાં નંબર વન પર આવી ગઈ છે. જો આપણે WTC ના નવીનતમ પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, ભારત અને ઓસ્ટ્રેલિયા હાલમાં તેના પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ટીમના અત્યાર સુધી 15 મેચમાં 9 જીત, 5 હાર અને એક ડ્રો સાથે 110 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 61.11 ટકા છે. ભારતે વર્તમાન ચક્રમાં વધુ 4 મેચ રમવાની છે, જે માત્ર ઓસ્ટ્રેલિયા સામે છે. બીજી તરફ WTC ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. કાંગારૂૂ ટીમના 13 મેચમાં 8 જીત, ચાર હાર અને એક ડ્રો સાથે 90 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 57.69 છે.
બીજી તરફ શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે. શ્રીલંકાના નવ મેચમાં 55.56 ટકા પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને, દક્ષિણ આફ્રિકા પાંચમા સ્થાને અને ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન સાતમા, વેસ્ટ ઈન્ડિઝ આઠમા અને બાંગ્લાદેશ નવમા ક્રમે છે. જોકે, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ ફાઈનલની રેસમાંથી બહાર છે.
WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બાકીની ચારમાંથી ત્રણ ટેસ્ટ જીતવી પડશે અને એક મેચ ડ્રો કરવી પડશે. જો ભારતીય ટીમ એક પણ મેચ હારે છે તો તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ભારતીય ટીમ મહત્તમ 69.30% અંક સુધી પહોંચી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ પોતાના દમ પર WTC ફાઇનલમાં પહોંચવા માટે છમાંથી પાંચ મેચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે ઘરઆંગણે વધુ ચાર ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે તેને ભારતીય ઉપખંડનો પ્રવાસ કરવાનો છે. શ્રીલંકા માટે પણ સમીકરણ સ્પષ્ટ છે . તેણે WTC ફાઇનલમાં પહોંચવા માટે ચારેય મેચ જીતવી પડશે. શ્રીલંકા હાલમાં તેની ધરતી પર દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ત્યારપછી તેને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની યજમાની કરવાની છે.