નવ દિવસમાં 16 પોઝિટિવ, ફક્ત એક દર્દી સાજો થતાં તેને રજા અપાઈ બાકી બધા હાલ હોમ આઈસોલેટ
રાજકોટ શહેરમાં કોરોનાએ ધીમીગતિએ પગપેસારો કર્યો છે. તા. 19ના રોજ પ્રથમ કેસ આવ્યા બાદ આજ સુધીમાં વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે પાંચ અને આજે પણ નવા પાંચ પોઝેટિવ આવતા હાલ 15 દર્દીઓ સારવારમાં હોવાનું તેમજ એક દર્દી સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. તમામ દર્દીઓને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મનપાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ફક્ત નવ દિવસમાં 16 પોઝીટીવ કેસ આવ્યા છે. અગાઉ ગઈકાલ સુધી આવેલા 11 કેસ પૈકી એક દર્દી સ્વચ્છ થઈ ગયા છે.
જ્યારે બાકીના 10ને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જેમાં આજે ફરી વખત વધુ નવા પાંચ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 8માં ઓસ્કાર ટાવર પુરુષ ઉ.વ. 59 તથા બીગબજાર પાસે પુરુષ ઉ.વ.41 તથા વોર્ડ નં. 14માં મધુરમ પાર્ક-2 પુરુષ 16 વર્ષ તથા વોર્ડ નં. 10માં રૈયાચોક પાસે મહિલા ઉ.વ.41 અને વોર્ડ નં. 4 માં સેટેલાઈટ ચોક ખાતે પુરુષ ઉ.વ.41 સહિત નવા પાંચ દર્દી નોંધાતા તમામને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
આ પાંચ કેસ પૈકી મધુરમ પાર્ક અને સેટેલાઈટ ચોકના દર્દીની વેક્સિનેશન હિસ્ટ્રી ઉપલબ્ધ નથી. જ્યારે ઓસ્કાર ટાવર અને રૈયા ચોકના દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જૂનાગઢ તથા બીગબજાર પાસેના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મુંબઈ અને મધુરમ પાર્કના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું જાણવા મળેલ છે. હાલ તમામ પાંચેય દર્દીની હાલત સ્ટ્રેબલ હોવાનું જાણવા મળેલ છે.

