ક્રાઇમ

પૈસા પડાવવા 4નું અપહરણ, સાળા-બનેવીના હાથ-પગ ભાંગી નાખ્યા

Published

on

રાજકોટના આજી વસાહત પાસેથી કારમાં ટંકારાના જબલપુર ગામે ઉપાડી જઈ રાત આખી માર માર્યો

પ્લમ્બિંગ-ફર્નિચરનું એક કરોડનું કામ આપી પૈસા આપવાના બદલે સામા એક કરોડ માંગી ચાર શખ્સોએ મચાવ્યો આતંક

રાજકોટના રણુજા મંદિર પાછળ કોઠારિયા મેઈન રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા અને પ્લમ્બીંગનુંકામ કરતા યુવાન અને તેના બનેવી તેમજ બે મિત્રોનું ઉઘરાણી મામલે રાજકોટથી ટંકારાના જબલપુર ગામના ચાર શખ્સોએ બે કારમાં અપહરણ કરી ગોંધી રાખી સાળા-બનેવીના હાથપગ ભાંગી નાખતા ઈજાગ્રસ્ત સાળા-બનેવીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટથી ચારેયનું અપહરણ કરી ટંકારાના જબલપુર ગામે લઈ જઈ બેફામ મારમારવામાં આવ્યો હતો. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય અપહરણકારોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મળતી વિગતો મુજબ આ મામલે ગૌતમભાઈ મનુભાઈ વ્યાસ ઉ.વ.29ની ફરિયાદના આધારે બાબુભાઈ વિરાભાઈ ઝાપડા, મેહુલ ઉર્ફે લાલો, હકાભાઈ ઝાપડા અને સાહિલ સાહમદાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં ગૌતમ વ્યાસે જણાવ્યા મુજબ તે પ્લમ્બીંગનું કામ કરતો હોય તેના કાકા મારફતે બાબુ હિરા ઝાપટાનો સંપર્કથયો હતો. જેને ટંકારા તાલુકાના જબલપુર ગામે રામવાડી નજીક મકાનનું કામ કરવાનું હોય ત્યાં પ્લમ્બીંગ અને ફર્નિચર કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. દોઢ વર્ષ પૂર્વે ગૌતમ અને તેના મિત્ર પ્રશાંત ગઢિયા કે જે ફર્નિચરનું કામ કરતો હોય તેણે બાબુનું કામ કર્યુ હતું. જેમાં થયેલ ખર્ચની રકમ લેવાની હોય ત્યારે બાબુએ પોતાના બંગલાના કામમાં થયેલ ખર્ચ આપવાના બદલે સામા એક કરોડ રૂપિયા માંગ્યા હતા અને અવાર નવાર ગૌતમને ધમકી આપતો હતો.

ગઈકાલે સવારે 11 વાગ્યાના સુમારે ગૌતમ અમદાવાદ નેશનલ હાઈવે પર કોઠારિયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ પોતાની હોન્ડા સીટી નંબર જીજે 1 આરજી 3767 લઈને સર્વિસ કરાવા ગયો ત્યારે બાબુ અને હકા ઝાપડા ત્યાં આવ્યા હતા અને રોડ ઉપર રાખેલ સ્વીફ્ટ કારમાં હિસાબ કરવા માટે વાત કરી હતી. પોતે ગાડીમાં બેસવાની ના પાડતા હકા અને લાલાએ ધક્કો મારી પરાણે ગાડીમાં બેસાડી દીધો હતો અને ગૌતમની હોન્ડા સીટી કાર લાલા અને હકાએ ચલાવી હતી. સ્વીફ્ટ કારમાં બેઠેલા બાબુએ રેલનગર તરફ ગાડી હંકારી હતી અને ફર્નિચરનું કામ કરનાર પ્રશાંંત ગઢિયાને પણ ગાડીમાં બેસાડ્યો હતો. પ્રશાંતના ફોનમાંથી ગૌતમના બનેવી વિપુલ ખિમજી પાંભર અને ભગીરથ શાંતિભાઈ વ્યાસને ફોન કરી બન્નેને રેલનગર બોલાવ્યા હતા ગૌતમ અને વિપુલને બાબુએ તેની સ્વીફ્ટકારમાં બેસાડ્યા હતા જ્યારે ભગીરથ અને પ્રશાંતને હોન્ડાસીટી કારમાં બેસાડી ટંકારાના જબલપુર ગામે રામવાડી પાસે અપહરણ કરીને લઈ ગયા હતાં.


રામવાડી પાસે પહોંચતા ગૌતમ અનેતેના બનેવી વિપુલને નીચે ઉતારી બાબુ ઝાપડા, હકા ઝાપડા, મેહુલ અને સાહિલે સ્વીફ્ટ કારમાંથી લોખંડનો પાઈપ કાઢી બન્નેના હાથપગ ભાંગી નાખ્યા હતા અને ત્યાંથી ભાગી ગયા હતાં. મિત્ર પ્રશાંત ગઢિયા અને ભગીરથ કે જે ગૌતમની હોન્ડાસીટી કાર લઈને સાળાબનેવી સાથે હોય જેણે 108ને ફોન કરી પ્રથમ ટંકારા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતાં. સાળા-બનેવી પાસે પૈસા પડાવવા માટે અપહરણ કર્યાનું ગૌતમે પોલીસ સમક્ષ જણાવતા આજીડેમ પોલીસે આ મામલે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

દિવાળીના તહેવાર સમયે ગૌતમનું અપહરણ કરી 20 દિવસ ગોંધી રખાયો હતો
છેલ્લા દોઢ વર્ષથી જબલપુર ગામે બાબુ વિરા ઝાપડાના બંગલાનું ફર્નિચર અને પ્લમ્બીંગનુંકામ પુરુ થઈ ગયું હોવા છતાં રૂપિયા આપવાના બદલે સામે રૂપિયા પડાવવા માટે બાબુ અવાર નવાર ગૌતમને ધમકી આપતો હતો દિવાળીના તહેવાર સમયે પણ બાબુએ ગૌતમનું અપહરણ કરી ટંકારાના જબલપુર ગામે લઈ જઈતેને 20 દિવસ ગોંધી રાખ્યો હતો અને ગૌતમના માતા-પિતા અને પત્નીને એક કરોડ પડાવવા માટે ધમકી આપી મકાન લખી આપવા માટેનું દબાણ કર્યુ હતું. જે બનાવ અંગે જે તે વખતેગૌતમે તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હોય અને બાબુ વિરા ઝાપડા સામે પોલીસે અટકાયતી પગલા લીધા છતાં. બીજી વખત હિંમત કરીને બાબુએ ગૌતમ અને તેના બનેવી વિપુલ પાંભરનું અપહરણ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version