Site icon Gujarat Mirror

બર્ધન ચોકમાંથી 24 રેંકડી-કેબિન-પાથરણાં જપ્ત કરાયા

ત્રણ દિવસ પહેલા દૂર કરેલ દબાણો ફરી ખડકાઈ જતાં એસ્ટેટ વિભાગ ત્રાટક્યું

જામનગર: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ ફરી એકવાર દબાણ કરનારાઓ સક્રિય થયા છે. જેને લઈને આજે એસ્ટેટ શાખા અને પોલીસની સંયુક્ત ટીમે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન 20 પથારા વાળાઓનો માલસામાન અને 4 રેકડી જપ્ત કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા બર્ધનચોક વિસ્તારના જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવા માટેની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ત્રણ દિવસ સુધી દબાણો દૂર રહ્યા હતા, પરંતુ આજે ફરીથી દબાણ સર્જાઈ જતાં એસ્ટેટ શાખાની ટુકડી અને પોલીસ તંત્ર ફરીથી દોડતું થયું હતું, જેને લઈને ભારે નાસભાગ થઈ હતી.

દરબારગઢ સર્કલથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીના વિસ્તારમાં એસ્ટેટ શાખા ની ટુકડીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ કરનારા 20 પથારાવાળાઓનો એક ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો, જયારે જાહેર માર્ગ પર ઉભેલી ચાર રેકડીને કબજે કરી લેવામાં આવી છે.

તે જ રીતે દરબાર સર્કલથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં પણ શાકબકાલા ની રેકડી વાળાઓનું દબાણ સર્જાયું હોવાથી તે સ્થળે પણ રસ્તો ખોલાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી ત્યાં પણ ભારે નાશભાગ થઇ હતી, અને હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Exit mobile version