Site icon Gujarat Mirror

પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી સહિત વધુ બેના હૃદય થંભી જતાં મોત નિપજ્યા હતાં. શહેરના રામનગરમાં રહેતાં નિવૃત્ત કર્મચારી અને લોધિકાના માખાવડના વૃધ્ધે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ગોંડલ રોડ પર માલવીયા કોલેજ પાછળ આવેલા રામનગર શેરી નં.3માં રહેતા અને પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી પ્રફુલસિંહ રવુભા જેઠવા (ઉ.64) નામના વૃધ્ધ ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક તબીયત લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતાં. તેમને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક છ ભાઈ બે બહેનમાં નાના અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેક આવી જવાથી મોત થયાનો પ્રાથમિક અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

જ્યારે બીજા બનાવમાં લોધિકા તાલુકાના માખાવડ ગામે રહેતા કલાભાઈ ધમશીભાઈ ભુવા (ઉ.71) નામના વૃધ્ધ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે હાર્ટએટેક આવતાં બેભાન થઈ જતાં તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું અને પંદર દિવસ પહેલા જ ચાર ધામની યાત્રા કરી પરત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version