જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં શ્રમિક પરિવારના 16 વર્ષ ના તરુણ ને તેના પિતાએ બાઈક ચલાવવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હોવાથી તેણે ગળાફાંસો ખાઈ લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે બનાવને લઈને શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે, કે મૂળ મધ્યપ્રદેશના વતની, અને હાલ જામનગર નજીક વસઈ વિસ્તારમાં એક ટાઉનશિપમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા પ્રતાપભાઈ નરસિંહભાઈ બામણીયા ના 16 વર્ષના પુત્ર રાકેશ પ્રતાપભાઈ બામણીયાએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની પોલીસને જાણ કરાતાં સિક્કાના એએસઆઈ સી.ડી. ગાંભવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને રાકેશ ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક તરુણને મોટરસાયકલ ચલાવવું હતું, અને પિતાની જાણ બહાર મોટરસાયકલ ચૂપચાપ લઈને ફેરવવા નીકળી જતો હતો, જેથી પિતાએ ચાવી છીનવી લીધી હતી, અને ફરીથી આ ઉંમરે બાઈક નહીં ચલાવવાનું કહેતાં રાકેશ નારાજ થયો હતો, અને પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ગળાફાંસો ખાઈ લીધો હતો.

