ગુજરાત
ગુજરાતમાં GSTની આવકમાં 12 ટકાનો વધારો
નવેમ્બર-23માં 10835 કરોડની આવક સામે આ વર્ષે 12192 કરોડની આવક
સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12,192 કરોડની આવક મેળવી છે. જે નવેમ્બર 2023 સુધીમાં 10,835 કરોડની આવક થઇ હતી, આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12%નો વધારો થયો છે. જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાતો જાય છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ડોમેસ્ટિક રેવન્યુ અંતર્ગત નવેમ્બર 2024માં થયેલી આવક જોવા જઈએ તો સેન્ટ્રલGSTની 34,141, SGSTની આવક 43,047, IGSTની આવક 50.093 અને શેસની આવક 12,398 મળીને કુલ 1,39,679 કરોડની આવક થઇ છે. ગત વર્ષે નવેમ્બર 2023 સુધીમાં આ આવક કુલ રૂૂપિયા 1,27,695 હતી. આમ 11,984 કરોડની આવક વધારે થઈ છે.
જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત અનેક સ્થળોએ બોગસ ઇન્વોઇસ બનાવીને ITCમેળવવાના કૌભાંડ પકડ્યા હતા. જે કૌભાંડનો આંકડો પણ અત્યાર સુધીમાં જોવા જઈએ તો સાતથી દસ હજાર કરોડની આસપાસ થાય છે. જીએસટી એન ફોર્સમેન્ટ વિભાગ પણ તબક્કાવાર રાજ્યભરમાં દરોડા પાડી રહ્યું છે. માત્ર ભાવનગરમાં જ જીએસટી ચોરીના કૌભાંડમાં અંદાજે 4,000 કરોડના બોગસ બિલીગના કૌભાંડો પકડાયા હતા. તેમાં ગુજસીટોક કાયદા અંતર્ગતનો ગુનો ગુજરાતમાં સૌથી પહેલો દાખલ થયો હતો જેમાં હજુ રિકવરી પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 150થી વધારે લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે.
એક તરફ મોબાઈલ વાન અને સર્વેલન્સ વિભાગના અધિકારીઓ પણ બાતમીના આધારે દરોડા પાડીને તપાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જીએસટીની ચોરી કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો પણ મળ્યા છે. જીએસટીની નિયમિત મળતી આવકની સાથે જીએસટી ચોરીના કિસ્સાઓમાં જે કરદાતાઓ ટેક્સની રકમ ભરપાઈ કરી દેતા હોય છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, જીએસટી વિભાગને મોટી આવક થશે.