Site icon Gujarat Mirror

વાડીએથી પરત ફરતી 11 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડીખાધી

 

કાલાવડના પીપર ગામે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું, ભારે અરેરાટી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો, અને રસ્તે રઝળતા કુતરાઓએ 11 વર્ષની શ્રમિક પરિવારની એક બાળકીને ફાડી ખાતાં બાળકીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંક ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના પરપ્રાંતિય શ્રમિક ની 11 વર્ષની પુત્રી રાજલબેન, કે જે પોતાની વાડીએથી ઘરે ચાલીને પરત ફરી રહી હતી, દરમિયાન રસ્તામાં ચાર પાંચ રસ્તે રઝળતા કુતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી, અને શરીરના અલગ અલગ ભાગોમાં બટકા ભરી લેતાં તેણી લોહી લુહાણ થઈ ને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ હતી, અને તેણીને સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું, તેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

આ બનાવ અંગે બાળકી ના પિતા સુરલાભાઈ વેસ્તાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડના પી.એસ.આઇ.સી.બી રાંકજા બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બાળકીના મૃતદેહ નો કબ્જો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Exit mobile version