ઝારખંડના ગામમાં આઘાતજનક બનાવથી શોક છવાયો
ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજારીબાગમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ ઘટના હજારીબાગના ચર્હી બ્લોકના સરબાહા ગામમાં બની હતી, જ્યાં ઘરેલુ વિવાદને લઈને પતિ સુંદર કરમાલી અને પત્ની રૂૂપા કરમાલી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી પતિ સુંદર કરમાલી ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો અને બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું, જેનાથી ઘરમાં ચકચાર મચી ગઈ હતી.
આ પછી સુંદર કરમાલીને બચાવવા અન્ય ચાર લોકો પણ કૂવામાં કૂદી પડયા હતા. કૂવામાં ડૂબી જવાથી પાંચેયના મોત થયા હતા. મૃતકોની ઓળખ સુંદર, રાહુલ, સૂરજ, વિનય અને પંકજ તરીકે થઈ છે. વિનય અને પંકજ સગા ભાઈઓ હતા, જ્યારે રાહુલ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. મૃત્યુ પામેલા લોકોની ઉંમર 25-30 વચ્ચે હોવાનું કહેવાય છે.