જસદણમાં બનેલી ઘટના : યુવાને સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ
જસદણમાં રહેતા યુવકની શિવરાજપુર ગામે યુવતી સાથે સગપણની વાત ચાલતી હતી જે યુવતીની અન્ય જગ્યાએ સગપણ થઈ ગયું હતું. તેમ છતાં યુવતીના ભાઈઓને જ્યાં સગપણની પહેલા વાત ચાલતી હતી તે યુવાન ભગાડી જશે તેવી શંકા જતાં યુવકને ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં રહેતાં અનિલ કલુભાઈ ઝખાણીયા નામનો 21 વર્ષનો યુવાન જસદણમાં આવેલી ગોખલાણા ચોકડી પાસે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે જસદણ પોલીસને જાણ થતાં જસદણ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.પ્રાથમિક પુછપરછમાં અનિલ ઝખાણીયાની શિવરાજપુર ગામે રહેતા કાનાભાઈની પુત્રી સાથે સગપણની વાત ચાલતી હતી. પરંતુ કાનાભાઈએ પુત્રીનું અન્ય જગ્યાએ સગપણ કરી નાખ્યું હતું. અનિલ ઝખાણીયા બહેનને ભગાડી જશે તેવી દહેશતે કાનાભાઈના દીકરા દિગરી અને ઈલીએ અનિલ ઝખાણીયાને ધમકી આપી હતી. જે ધમકીથી ડરી ગયેલા યુવાને આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

