રાષ્ટ્રીય
તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપો
અદાણી મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો તો જ્યોર્જ સોરોસ મુદ્દે ભાજપ આક્રમક: હંગામા બાદ સંસદ સ્થગિત
અદાણી અને જ્યોર્જ સોરોસ મામલે ચર્ચાની માંગણી સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષો અને સોનિયાના જ્યોર્જ સોરોસ સાથેના સબંધો મામલે ભાજપ વચ્ચે સંસદના બન્ને ગ્રહોમાં હંગામો થતાં બન્ને ગ્રહોની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની ગરિમા જાળવવાની અપીલ કરી હતી. પણ એ નિષ્ફળ ગઈ હતી. રાજ્ય સભામાં પણ વિપક્ષોએ ઉપ સભાપતિ ધનખડ સામે પક્ષપાત પૂર્ણ વલણનો આક્ષેપ મુક્યો હતો. ત્યાં પણ ધાંધલ ધમાલથી કાર્યવાહી મુલતવી રખાઈ હતી. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ સંસદ નહીં ચાલવા દેવાના સામસામા આક્ષેપો કર્યા હતાં.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહસન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ લોકો ગૃહની કાર્યવાહી આગળ વધવા દેતા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ટી-શર્ટ પહેરીને ડ્રામા કેમ કરે છે? કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીને સમજાવવાની જરૂૂર છે.
કિરેન રિજિજુએ કહ્યું કે અમારી પાસે બિલ પાસ કરવા માટે જરૂૂરી નંબરો છે. કોંગ્રેસે ગૃહની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ અને ચર્ચામાં ભાગ લેવો જોઈએ. આ સાથે જ મંત્રીએ અદાણી મુદ્દે કોંગ્રેસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કિરેન રિજિજુએ કહ્યું કે અમેરિકી કોર્ટ કેસને લઈને અહીં ડ્રામા રચવાથી શું ફાયદો થશે. રાજ્યસભામાં તમામ પક્ષોના સાંસદો ઇચ્છે છે કે ગૃહ ચાલે. સપા, કોંગ્રેસ, ટીએમસી સહિત અનેક પક્ષોના સાંસદો અમને મળ્યા અને કહ્યું કે ગૃહનું કામકાજ ચાલવું જોઈએ.
આના પર મેં કહ્યું કે રાહુલ ગાંધીને સમજાવો. તેમને સામાન્ય લોકો સાથે કોઈ લેવાદેવા નથી. તેની પોતાની શૈલી છે અને તે ડ્રામા સર્જતો રહે છે.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે હું એક વાત સ્પષ્ટ કરી દઉં કે જનહિત માટે જે પણ બિલ લાવવા પડશે તે અમે લાવીશું. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે બિલ પર ચર્ચા થાય. એટલા માટે અમે તેને એકપક્ષીય રીતે પસાર કરવા માંગતા નથી. ચર્ચાથી સંસદની ગરિમા વધશે.
ધનખડ વિરૂધ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજુ: 60 સાંસદોના હસ્તાક્ષર
વિપક્ષે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોંગ્રેસ સમર્થિત ઇન્ડીયા ગઠબંધને ધનખડ વિરૂદ્ધ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે. તેમજ ચાલુ સેશનમાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો કરતાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અવિશ્વાસના પ્રસ્તાવમાં 60 સાંસદોએ સહમતિ આપી હોવાનું જાણવા મળ્યું છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાના ચેરમેન વિરૂદ્ધ કોઈ પક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ બંધારણના આર્ટિકલ 67 (બી) હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
‘મોદી-અદાણી ભાઈ ભાઈ’ લખેલી બેગ સાથે પ્રિયંકા પહોંચ્યા
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પમોદી અદાણી ભાઈ-ભાઈ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહની કાર્યવાહી ચાલુ નથી. અમે ચર્ચામાં ભાગ લઈ શકતા નથી. પ્રિયંકા ગાંધીની આ બેગ બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે ખૂબ જ ક્યૂટ છે. બેગમાં એક તરફ મોદી અને બીજી તરફ અદાણીની તસવીર છે. લખ્યું છે- મોદી અદાણી ભાઈ ભાઈ. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માંગીએ છીએ પરંતુ સરકાર ચર્ચા ઈચ્છતી નથી. કોઈ ને કોઈ બહાને તેઓ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી રહ્યા છે.