સપ્ટેમ્બર-2023માં સંસદના બન્ને ગૃહોએ પસાર કરેલા વિધેયક પર કાયદા મંત્રાલયનું ફાસ્ટટ્રેક નોટિફિકેશન: નવા બંધારણીય સુધારાઓ પરના બિલ પર આજે મતદાન
વિવિધ ત્રણ મહત્વના અને ઐતિહાસીક વિધેયકોને સંસદમાં પ્રસ્તુત અને મંજુર કરાવવા એનડીએ સરકારે બોલાવેલા સંસદના વિશેષ હાઇવોલ્ટેજ સત્રના આજના બીજા દિવસે બિલો પર ધ્વાનિયત દ્વારા મતદાન થવાની ગણતરી છે. ગઇકાલે સરકારે દેશભરમાં 33 ટકા મહીલા અનામત તમામ ધારાસભા અને લોકસભામાં લાગુ કરવાની પૂર્વભુમિકારૂપે અગાઉ સપ્ટેમ્બર 2023માં સંસદના બન્ને ગૃહોમાં બહુમતીથી પસાર થયેલા મહીલા અનામત કાયદાને લાગુ કરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા તા.16મીની મધ્યરાત્રી બાદ નોટિફિકેશન જાહેર કરાવીને એ કાયદાને સતાવાર રીતે લાગુ થતો જાહેર કર્યો હતો.
સરકારે સંસદને કહ્યું હતું કે આ કાયદો તા.16 એપ્રિલથી હવે દેશભરમાં લાગુ થાય છે. સંસદમાં 2029થી મહીલા અનામત આપવા અંગે ગરમાગરમ ચર્ચા વચ્ચે કાયદા મંત્રાલયના નોટિફિકેશન દ્વારા કાયદો હવે પ્રભાવી-અમલી હોવાની જાહેરાત થઇ ગઇ હતી. અલબત આ નારીશક્તિ વંદત-અધિનિયમ 2023 સીમાંકન અને વસ્તી ગણતરી બાદ જ વાસ્તવિક રીતે અમલી બની શકશે.
આજે વિશેષ સત્રના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ સીમાંકન અંગે વિવિધ પ્રાદેશિક નેતાઓ અને વિપક્ષો દ્વારા પ્રવર્તતી અસમંજસ અંગે સંસદ સમક્ષ સ્પષ્ટતાનું પુનરૂચ્ચારણ કર્યું હતું કે દેશના કોઇપણ રાજયને નવા સીમાંકનથી પોતાનું પ્રતિનિધિત્વ કે બેઠકો ઘટવાનું જોખમ નથી. કોઇ રાજયે લઘુતાનો અનુભવ કરવો નહીં પડે.
એક તરફ જ્યારે સંસદમાં આ કાયદામાં સુધારો કરીને તેને 2029ની ચૂંટણીઓથી જ લાગુ કરવા અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સરકારે 16 એપ્રિલથી તેને પ્રભાવી બનાવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નિષ્ણાતોનું માનવું છે કે નારી શક્તિ વંદન અધિનિયમની મૂળ ભાવના અને જોગવાઈઓને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા આ ટેકનિકલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
અત્યાર સુધીની સ્થિતિ મુજબ, 2023ના મૂળ કાયદામાં એવી શરત હતી કે મહિલા અનામત 2027ની વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારી સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમલમાં આવશે. આ પ્રક્રિયા મુજબ વાસ્તવિક અનામત 2034 પહેલા મળવી મુશ્કેલ જણાતી હતી. જોકે, હાલમાં સંસદમાં ત્રણ નવા વિધેયકો પર ચર્ચા ચાલી રહી છે, જેનો મુખ્ય હેતુ વર્ષ 2029ની આગામી સામાન્ય ચૂંટણીઓથી જ મહિલાઓને અનામતનો લાભ અપાવવાનો છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભલે આ અધિનિયમ 16 એપ્રિલથી અમલી બન્યો હોય, પરંતુ તેની અસર વર્તમાન લોકસભા કે રાજ્ય વિધાનસભાઓ પર તાત્કાલિક ધોરણે નહીં પડે. અનામત આપવાની પ્રક્રિયા સીધી રીતે આગામી વસ્તી ગણતરીના આંકડા અને તેના આધારે નક્કી થતા બેઠકોના નવા સીમાંકન સાથે જોડાયેલી છે. આ કાયદો લાગુ થવાથી હવે ભવિષ્યમાં ધારાસભાઓમાં મહિલાઓની ભાગીદારી એક તૃતીયાંશ બેઠકો પર નિશ્ચિત બની જશે.
કોઇ રાજ્યે નવા સિમાંકનથી લઘુતા અનુભવવી નહીં પડે : મોદી
વડાપ્રધાન મોદીએ સંસદને સ્પષ્ટ રીતે ખાતરી આપી હતી કે જે રાજ્યો કે પ્રાદેશિક નેતાઓ નવા સિમાંકનને કારણે પોતાના રાજ્યોનું સંસદમાં પ્રતિનિધિત્વ ઘટવાનો ભય રાખે છે તેમને હું ખાતરી આપું છું કે ન્યાયીક રીતે દેશના બધા રાજ્યોની લોકસભાની બેઠકો અભિવૃતિ થશે અને એમાં કોઇપણ રાજ્યે લઘુતાનો અનુભવ કરવો પડશે નહીં.

