ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના શિયાળામાં ભારે ગરમાવો આવી રહ્યો છે. ડેડિયાપાડાના પૂર્વ MLA મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે, મહેશ વસાવા પહેલા બીટીપી બાદ ભાજપમાંથી છેડો ફાડી ચૂક્યા છે.
મળતી માહિતી પ્રમાણે, જનઆક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમની જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવતા નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય તે મોટી વાત કહી શકાય. આદિવાસી પટ્ટો ગણાતા નર્મદા, ભરૂૂચ, ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોમાં હાલ રાજકારણ ગરમાયેલું છે.
અહીં પ્રભુત્વ મેળવવા માટે ભાજપ અને આપ તો હરોળમાં હતા જ હવે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસ પણ પોતાનું જોર બતાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં જાણીતું નામ છે. મહેશ વસાવા પૂર્વ MLA છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ MLA છે. કહેવામાં આવી રહ્યુ છે કે, રાજકારણમાં તેમનો જન્મ ભીલીસ્તાન ટાઇગરસેનાની ચળવળમાંથી થયો હતો. 2017માં જેડીયુના વિભાજન બાદ મહેશ વસાવાએ બીટીપીની શરૂૂઆત કરી હતી. શરદ યાદવની આગેવાની હેઠળના જૂથે પક્ષના ચૂંટણી પ્રતિક પર અધિકાર ગુમાવ્યો હતો જેને કારણે તેમણે બીટીપીની રચના કરી હતી.

