કોડીનાર તાલુકાના શેઢાયા ગામના શેરડી પકવતા ખેડૂતો જંગલી ડુક્કરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને જંગલી ભૂંડોના ટોળાં શેરડીના ઊભા પાકનો સોથ વાળી દેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ મુદ્દે શેઢાયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત અરજી કરીને તાત્કાલિક સહાય અને રક્ષણાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
શેઢાયા ગ્રામ પંચાયતના સરપંચ કનુભાઈ લાખણોત્રાએ અરજી કરી જણાવ્યું છે કે શેઢાયા ગામના ખેડૂત ખાતેદાર ડાયાભાઈ મનુભાઈ સરવૈયાના ખેતર સર્વે નંબર 18/પૈકીમાં અંદાજે 4 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતે નિયમિત દેખરેખ રાખીને ઉત્તમ શેરડીનો પાક તૈયાર કર્યો હતો. જોકે, અચાનક જંગલી ભૂંડોનું એક મોટું ટોળું રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી આવ્યું હતું અને ઊભા પાકને કાપીને ખેતરને ખોદી નાખ્યું હતું. આ ઘટનામાં અંદાજે બે વીઘાથી વધુ જમીનમાં શેરડીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે.
સરપંચે જિલ્લા ખેતીવાડી અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતના ખેતરનું સર્વે કરવામાં આવે અને સરકારના ધારાધોરણ મુજબ વધુમાં વધુ વળતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડાયાભાઈ પાસે માત્ર 4 વીઘા જમીન છે અને તેમના પરિવારનું ગુજરાન મુખ્યત્વે આ શેરડીના પાક પર જ ચાલે છે. આથી, ખેડૂતના ખાતામાં વહેલી તકે નુકશાનીનું વળતર જમા થાય તેવી અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસો પહેલા કોડીનારના મિતીયાજ ગામે પણ જંગલી ભૂંડો દ્વારા ખેડૂતોના શેરડીના ઊભા પાકનો સોથ બોલાવી દેવામાં આવ્યો હતો.
તે સમયે પણ મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા ખેડૂતોના આ પ્રશ્નને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હાલ કોડીનાર તાલુકામાં દરેક ગામોમાં મુખ્યત્વે ખેડૂતો દ્વારા શેરડી પકવવામાં આવે છે. ત્યારે આ જંગલી ભૂંડના સતત વધતા જતા ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ આપવા માટે સરકારે તાત્કાલિક રક્ષણાત્મક પગલાં લેવા જોઈએ. સાથોસાથ, ખેડૂતોને થઈ રહેલા આ મોટા નુકશાન માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ, તેવી માંગણીઓ સ્થાનિક લોકો અને ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે સરકાર તેમની વેદના સાંભળીને ઝડપથી કોઈ નક્કર પગલાં લેશે.

