નબળા ચોમાસાની આગાહી વચ્ચે અનેક ડેમ તળિયા ઝાટક થવાની તૈયારીમાં, એક અઠવાડિયામાં બે હાઈલેવલ બેઠક બોલાવતા CM ફડણવીસ, 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક આદેશ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાણી વ્યવસ્થાપનને લઈને મોટું અલર્ટ જાહેર કર્યું છે. અલ નીનોના અસરને કારણે આ વર્ષે મોન્સુન નબળો રહેવાની આશંકા વચ્ચે તેમણે અધિકારીઓને સપ્ટેમ્બર સુધી પાણીની સખત યોજના અને સંરક્ષણના પગલાં અમલમાં મૂકવા સૂચના આપી છે.
રાજ્યના બંધોમાં હાલ 653.63 હજાર મિલિયન ક્યુબિક ફીટ પાણી સંગ્રહિત છે, જે ગત વર્ષના સમયગાળા કરતાં 101.77 હજાર મિલિયન ક્યુબિક ફીટ વધુ છે. તેમ છતાં મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હવેથી જ પાણીનો બચાવ કરવાનું શરૂૂ કરી દે, જેથી ઓગસ્ટ 2026ના અંત સુધી પીવાના પાણીની પૂરતી સપ્લાય જળવાઈ રહે.
અધિક મુખ્ય સચિવ (જળ સંસાધન) દીપક કપૂરે કેબિનેટ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે અલ નીનો વર્ષોમાં પાણીના સ્ટોરેજમાં મોટો ઘટાડો જોવા મળે છે. 2014 અને 2015માં આવી જ સ્થિતિમાં પાણીનું સ્તર 12થી 14 ટકા સુધી ઘટી ગયું હતું, જેનાથી મોટા પાયે પાણીની કિલ્લત સર્જાઈ હતી.
મુખ્યમંત્રી ફડણવીસે આ અઠવાડિયે પાણી વિશેની બીજી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જળ સંરક્ષણ પરિયોજનાઓને વેગ આપવા, પાણી વ્યવસ્થાપનમાં સુધારા અને પરંપરાગત જળ સ્ત્રોતોને પુનજીર્વિત કરવાના નિર્દેશ આપ્યા છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
ઠાણે મહાનગરપાલિકાએ વધતી ગરમી અને ઘટતા જળસ્તરને જોતાં શહેરના તમામ સર્વિસ સેન્ટરો પર વાહનોની ધુલાઈ પર 10 જૂન સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. મહાપૌર શર્મિલા પિંપલોલકર અને મહાનગરપાલિકા આયુક્ત સૌરભ રાવે નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને સંભવિત જળ સંકટ સામે સહયોગ આપવાની અપીલ કરી છે.ઠાણેમાં બે, ત્રણ અને ચાર પૈડાવાળા વાહનોની સર્વિસ સેન્ટર પર ધુલાઈ અને સફાઈ પર આ અસ્થાયી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પર મહારાષ્ટ્ર નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વ્યાવસાયિક સ્થાપનોને પાણીના પુન:ચક્રણની વ્યવસ્થા અપનાવવા અને બિનજરૂૂરી વપરાશ ટાળવા સલાહ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે ‘જલ પ્રબંધન કાર્ય પખવાડા’ પહેલ શરૂૂ કરી છે, જેનો હેતુ જનભાગીદારીથી જળ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે. મુખ્યમંત્રીએ નાગરિકોને ઘરે પાણીની બર્બાદી રોકવા, વાહન ધોવા માટે પીવાનું પાણી ન વાપરવા અને નળ ખુલ્લા ન છોડવા જેવી આદતો છોડવાની અપીલ કરી છે.

