Site icon Gujarat Mirror

દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીની ચૂંટણી લડવાની શકયતા સમાપ્ત

દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરી માટે આગામી સહકારી ચૂંટણી લડવાની શક્યતાઓ બુધવારે સમાપ્ત થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે તેમની સાત વર્ષની સજા પર સ્ટે મૂકવાની અરજીને 3 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, જેના કારણે તેઓ મેહસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (દૂધસાગર ડેરી)ની આગામી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠર્યા છે.

નોંધનીય છે કે, વિપુલ ચૌધરીને જુલાઈ 2023માં મહેસાણાની કોર્ટે સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજા 2013માં જ્યારે તેઓ ડેરીના અધ્યક્ષ હતા, ત્યારે દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રમાં પશુ આહાર મોકલીને ડેરીને રૂૂ. 22 કરોડનું નાણાકીય નુકસાન પહોંચાડવા બદલ થઈ હતી. ચૌધરીએ ડેરીની ચૂંટણી લડવા માટે સક્ષમ બનવા માટે તેમની સજા પર સ્ટે મૂકવાની માંગ સાથે અરજી કરી હતી.

જોકે, 7 નવેમ્બરના રોજ મહેસાણાની સેશન્સ કોર્ટે તેમની આ અરજીને ફગાવી દીધી હતી, અને તેને પઅસાધારણ કેસથ ન ગણાવીને સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ચૌધરીએ હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે વિનંતી કરી હતી, કારણ કે ડિરેક્ટર્સ બોર્ડની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર છે અને તેની ચકાસણી બીજા દિવસે થવાની છે. પરંતુ, કોર્ટે તેમની અરજીની સુનાવણીને 3 ડિસેમ્બર સુધી મુલતવી રાખતા, ચૌધરી માટે ચૂંટણી લડવાના દરવાજા બંધ થઈ ગયા છે, કારણ કે નામાંકન ભરવાની સમયમર્યાદા સુધીમાં તેમની સજા પર સ્ટે મેળવવો શક્ય નથી.

Exit mobile version