વિવાદી સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે કેટલાક શિષ્યો નાઈટ ડ્રેસમાં ડુબકી લગાવતા હોવાનો વીડિયો મુકી ઉઠાવ્યા સવાલ
ધારાસભ્ય સંજય કોરડિયાને પણ નિશાને લીધા, ભગવા પહેર્યા બાદ પણ સંસારી કેટલા છે તેની તપાસ કરાવવા માગણી
જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે ભગવા કપડા પહેરીને વિવાદી સોશિયલ મીડિયા એન્ફલુએન્સર કિર્તી પટેલે પણ ડૂબકી લગાવતાં ભારે વિવાદ સર્જાયો છે અને સાધુ-સંતો તથા આગેવાનોએ પણ નારાજગી વ્યકત કરી છે ત્યારે કિર્તી પટેલે તેનો વિરોધ કરનારા સાથે સાધુ-સંતોને પણ નિશાન બનાવ્યા છે આજે રાત્રે 9 વાગ્યે મોટા ધડાકા કરવાની જાહેરાત કરી છે.
કિર્તી પટેલે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ તથા વીડિયો મુકીને બેફામ વાણીનો ઉપયોગ કર્યો છે અને ઈન્દ્રભારતી બાપુના અનેક શિષ્યો પણ મૃગીકુંડમાં સ્નાન કરતાં હોવા છતાં પોતાને જ નિશાન બનાવાઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે. કિર્તી પટેલે મૃગીકુંડમાં અન્ય લોકો સ્નાન કરતાં હોવાનો વીડિયો મુકી આ લોકો ઈન્દ્રભારતી બાપુના શિષ્યો હોવાનો દાવો કર્યો છે.
આ ઉપરાંત કિર્તી પટેલે ઈન્દ્રભારતી બાપુ સામે વ્યક્તિગત પણ આક્ષેપો કર્યા છે જ્યારે ધારાસભ્ય સંજય કોરડીયાને સંબોધીને મુકેલી પોસ્ટમાં લખ્યું છે કે, કેટલાય એવા કાંડ થયા છે જે આ સાહેબ જાણે છે પણ બોલતા નથી. ભગવા કહેર્યા પછી સંસારી કેટલા છે તેની તપાસ કરાવો.મહા શિવરાત્રીની રાત્રે મૃગી કુંડમાં કેટલાક વીવીઆઈપી શિષ્યો નાઈટ ડ્રેસમાં સ્નાન કરતાં હોવાનો વીડિયો વાયરલ કરીને કિર્તી પટેલે ખળભળાટ મચાવ્યો છે. આ વીડિયો સાચો હોય તો મૃગીકુંડની સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. મહાશિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં માત્ર સાધુ-સંતો જ સ્નાન કરી શકે તેવી પરંપરા છે. પરંતુ કોઈ સાધુ-સંતોના કે, વહીવટી તંત્રના વીઆઈપી શિષ્યોને સ્નાનની છુટ આપી પરંપરા સાથે ચેડા કરવા તે કેટલે અંશે વ્યાજબી છે ?
કિર્તી પટેલે સોશિયલ મીડિયામાં યુ ટયુબ પર અને રાત્રે 9 વાગ્યે મૃગીકુંડ સ્નાન વિવાદમાં વધુ ખુલાસા કરવાની અને જવાબ આપવાની જાહેરાત કરી છે. કિર્તીએ અન્યાસીઓ અંગે કેટલાક ધડાકા કરવાની પણ જાહેરાત કરી છે. મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન જેવી બાબતમાં પણ અમુક સાધુ-સંતોએ પોતાના માનિતા સંસારી શિષ્યોને છુટછાટ આપી તે ખુબ જ આઘાતજનક બાબત છે.
ધર્મના નામે છાસવારે ઠેકી પડતાં ‘રખેવાળો’ એ પણ આ મુદાને ગંભીરતાથી લેવો જોઈએ અને રામના નામે ગ્રામ પંચાયતથી સંસદ સુધી સંતાનો વૈભવ મેળવનાર ભાજપ સરકારે પણ આ વિવાદને ગંભીરતાથી લઈ જે પણ લોકોએ મૃગીકુંડને અપવિત્ર કરવામાં ભાગ ભજવ્યો છે તેવા લોકો (ભલે તે સંતો-મહંતો હોય) સામે કાર્યવાહી કરવી જોઈએ. ધાર્મિક પરંપરામાં વીઆઈપી કલ્ચર ઘુસાડી લોકોની આસ્થા અભડાવવાના આ કૃત્યથી ભાવિકોની લાગણીને પણ ઠેસ પહોંચી છે.

