ભૂખી રોડ, જાગનાથ રોડ, વોંકળા કાંઠા, સોનાપુરી રોડ સહિતના એરિયામાં મિલકતના વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત
ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોના લોકોએ કરેલી રજૂઆતોના પગલે શહેરના ચાર વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું અને ધોરાજી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા આવતા અલગ અલગ એરિયામાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. શહેરના ભુખી રોડ, જાગનાથ મંદિર રોડ, કુંભારવાડા, વડલી ચોક, કડિયાવાડ સહિતના વિસ્તારમાં અશાંતધારો લગાવી દેવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગઈકાલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ધોરાજી શહેરના કુંભારવાડા વિસ્તારના ભુખી રોડ, વડલી ચોક, સોનાપુરી રોડ, ખ્વાજા સાહેબની દરગાહ વાળી શેરી, દરબારગઢ રોડ, વોકળાકાંઠા રોડ, વગેરે વિસ્તારોને રમખાણ ગ્રસ્ત ગણી આ વિસ્તારની 500 મીટરની ત્રિજયાના એરિયાને અશાંતધારો લાગુ કરી દેવાયો છે.
આ અંગેના નોટીફીકેશનમાં જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષની મુદત માટે અશાંતધારો લાગુ કરાયો છે. તા. 21 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2030 સુધીના સમયગાળા માટે આ નોટીફીકેશન લાગુ કરાયું છે. આ નોટીફીકેશન પ્રમાણે ઉપર દર્શાવેલ વિસ્તારમાં કોઈપણ સ્થાવર મિલ્કતના ટ્રાન્સફર-વેચાણ માટે રાજકોટ કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત કરાઈ છે. ધોરાજીના ભુખી રોડ ઉપરના સીટી સર્વે નં. 133થી 141, કુંભારવાડા ભુખી રોડના સર્વે નં. 1083થી 1133, સોનાપુરી રોડના 1273થી 1276, ખ્વાજા સાહેબની દરગાહ વાળી શેરીમાં 1535થી 1709, દરબારગઢ રોડમાં 1846થી 1855 તથા 2047થી 2068 અને વોકળાકાંઠા રોડ ઉપર 2807થી 2893 તથા 2966થી 2990, સીટી સર્વે નંબરને અશાંતધારાઓમાં સમાવવામાં આવ્યા છે.
આ સાથે જ બીજુ જાહેરનામું બહાર પાડીને અશાંતધારા એટલે કે, ગુજરાત પ્રોહિબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમુએબલ પ્રોપર્ટી એન્ડ પ્રોટેક્સ એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્સ ફ્રોમ ઈવિક્શન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટીબ્રુટેડ એરિયા એક્ટ, 1991 અંતર્ગત મંજુરી આપવા માટે રાજકોટ કલેક્ટરે પ્રાંત ઓફિસર અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ ધોરાજીને સત્તાઓ સોંપી દીધી છે. જેથી આ અશાંતધારા લાગેલ વિસ્તારમાં કોઈ પણ પ્રોપર્ટીના વેચાણ માટે પહેલા પ્રાંત ઓફિસર ધોરાજીની મંજુરી લેવી ફરજિયાત બની જશે.
અશાંતધારામાં નિયમનો ભંગ કરનારને 3થી 5 વર્ષની જેલ તથા રૂા. 1 લાખ અથવા તબદીલ થયેલી મિલ્કતના જંત્રીના ભાવનાં 10માં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભોગવવાની જોગવાઈ કરાયેલ છે.

