Site icon Gujarat Mirror

જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું

વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં આવતા શ્રદ્ધાલુઓને શિવગીરી વારંવાર હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસે શિવગીરીની અટકાયત કરી ઘરની તલાશી લેતા 50 થી વધુ હથિયારો મળી આવ્યા હતા. તંત્ર દ્વારા શિવગીરી સામે ભવિષ્યમાં તડીપારની પણ કાર્યવાહી થઈ શકે છે. થોડા સમય પહેલા જ શિવગીરી દ્વારા કરાયેલા એક હુમલાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

શિવગીરી નામનો આ શખ્સ પોતાને નાગા સાધુ તરીકે ઓળખાવતો હતો, પરંતુ તેની હરકતો અસામાજિક તત્વો જેવી હતી. તે ભવનાથ ક્ષેત્રમાં આવતા નિર્દોષ ભાવિકોને ગમે ત્યારે નગ્ન હાલતમાં ડરાવતો અને ધમકાવતો હતો. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે પૂરપાટ ઝડપે કાર લઈને આવે છે અને નગ્ન અવસ્થામાં ઉતરીને એક યાત્રિક પર લાકડી વડે તૂટી પડે છે. આ શખ્સ સાધુતાની મર્યાદા ઓળંગી લોકોને માર મારતો હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી.

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મેળામાં અવરોધરૂૂપ તમામ દબાણો દૂર કરવાની સૂચના મુજબ શિવગીરીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ હતી. આ ડિમોલિશન દરમિયાન તેના આશ્રમમાંથી અંદાજે 50 થી 60 જેટલા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે. જેમાં તલવાર, ભાલા, ધારિયા, કુહાડી, છરા અને ગદા જેવા જોખમી શસ્ત્રોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો રાખવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને તમામ હથિયારો જપ્ત કરી શિવગીરીની અટકાયત કરી લેવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટતી હોય છે, ત્યારે યાત્રિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં તેવું તંત્રએ સાબિત કરી દીધું છે. હાલ પોલીસ શિવગીરીના ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉુતા હિતેશ ધાંધલીયાએ શિવગીરી સાધુનો હાલ જે વીડિયો સામે આવ્યો છે તેને લઈ જણાવ્યું હતું કે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version