ચોટીલા તાલુકા પંચાયત છેલ્લા ઘણા દિવસોથી જાણે કોઇ રણીધણી ના હોય તેવી ફરિયાદ ઉઠી છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો જીલ્લા વિકાસ અધિકારીને મોકલતા ચોટીલાનાં ખેરાણા ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને દસાડા ખાતે ફરજ મૌકુફીનો હુકમ કરતા જીલ્લાનાં પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ યાત્રાધામ ચોટીલાની તાલુકા પંચાયતમાં ખેરાણા ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી કે.ડી.ચાવડા નો વિડીયો જિલ્લા નાં ઉચ્ચ અધિકારી ને મળતા કલાકોમાં અસરકારક પગલા ભરાયા છે જેમા ચોટીલા તાલુકા પંચાયતનાં ખેરાણા ગામનાં તલાટી દ્વારા પંચાયત કર્મચારીને છાજે નહી તેવું કૃત્ય કરી ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમો-1998 ના નિયમ-6 નો ભંગ કર્યાનું સાબિત થાય છે.જે ધ્યાને લેતાં કે.ડી.ચાવડા સામે શિસ્ત પાલનની કાર્યવાહી હાથ ધરી ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1997 ના નિયમ-6 નીચે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે તેવો કિસ્સો હોય જેથી ચાવડાને ફરજ પર ચાલુ રાખવા પંચાયત સેવાના હિતમાં ન હોઈ તલાટી-કમ- મંત્રી, ખેરાણા હસ્તકનો તમામ ચાર્જ અન્ય ને સંપૂર્ણ પણે સોંપાવી તાત્કાલીક અસરથી ફરજ મોકુફી ઉપર મુકત કરવામાં આવેલ છે.ફરજ મોકુફી દરમ્યાન કર્મચારીનું કાર્યમથક દસાડા તાલુકા પંચાયત મુકાતા જિલ્લાનાં બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારીને મળેલ વિડીયામાં ગ્રાન્ટનાં કામના બિલના ચુકવણા માટે તલાટી દ્વારા ટકાવારીની માગણી કરવામાં આવતી હોવાનું તેમજ અગાઉનાં અધિકારી સાથે વહીવટની વાત અને ઓડીટ માટે પણ વહિવટ થતો હોવાની વાતચીત સહિતની બાબતો હોવાનું કહેવાય છે જો ખરેખર વિડીયોમાં આવું હોય તો ફક્ત ફરજ મૌકુફી નહીં પરંતુ એસીબી ને પણ જાણ કરવામાં આવશે તેવા અનુમાનની હાલ તલાટી વર્તુળોમાં ખળભળાટ સાથે ચર્ચા ઉઠી છે.