ક્ધવેયર બેલ્ટ નીચે ‘ગ્રીન તાલપત્રી’ બાંધવાના વાહિયાત સોલ્યુશન સાથે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉઠા ભણાવાયા
કોડીનાર તાલુકાના વડનગર ખાતે આવેલી અદાણી અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણે હવે માજા મૂકી છે. એક તરફ જનતા શ્વાસ અને પથરી જેવા ગંભીર રોગોથી પીડાઈ રહી છે, ત્યારે બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વહીવટી તંત્ર માત્ર નોટિસો ફટકારીને સંતોષ માની રહ્યું હોય તેમ જણાય છે. તાજેતરમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં થયેલી ફરિયાદમાં કંપની દ્વારા ’ગ્રીન તાલપત્રી’ બાંધવાનું હાસ્યાસ્પદ સોલ્યુશન આપીને અધિકારીઓએ પ્રશ્ન પર પૂર્ણવિરામ મૂકી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડનગરના જાગૃત મહિલા ઇરાઈબેન રામભાઈ જોટવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે. તેમના જણાવ્યા મુજબ સિમેન્ટના ડસ્ટિંગને કારણે તેમના પતિને શ્વાસની બીમારી થઈ છે, જ્યારે બે પુત્રોના પથરીના બે-ત્રણ વાર ઓપરેશન કરાવવા પડ્યા છે.
સાથોસાથ ફળદ્રુપ જમીન સિમેન્ટની રજકણોને કારણે બંજર બની ગઈ છે અને ક્ધવેયર બેલ્ટના લોખંડના પતરા પવનમાં ઉડીને પડતા હોવાથી માલ-મિલકત અને જાનનું જોખમ રહે છે.તો કોડીનાર તાલુકામાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ વડનગરમાં હોવાની રજૂઆત પણ પત્રમાં કરવામાં આવી છે.
માહિતી અધિકાર હેઠળ નાજાભાઇ મુળાભાઈ ગાધેએ મેળવેલી વિગતો મુજબ, છેલ્લા દસ વર્ષમાં પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ 50 જેટલી વખત પ્લાન્ટની મુલાકાત લીધી છે. તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી છે જેમકે ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ બંધ હાલતમાં છે, કિલન-ચીમનીના ગેસ પેરામીટર કાર્યરત નથી., AFR સેક્શનમાં ટઘઈની તીવ્ર દુર્ગંધ આવે છે. આમ છતાં, અધિકારીઓ માત્ર ’હવા અધિનિયમ 1981’ની કલમ 31(અ) મુજબ નોટિસ આપીને સંતોષ માને છે. કોઈ નક્કર ક્લોઝર નોટિસ કે કડક દંડની કાર્યવાહી ન થતા તંત્રની મિલીભગત હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ્યારે પ્રદૂષણનો મુદ્દો ગાજ્યો, ત્યારે કંપનીના સંચાલકોએ એવું આશ્વાસન આપ્યું કે “ક્ધવેયર બેલ્ટ નીચે ગ્રીન તાલપત્રી બાંધી દઈશું જેથી પ્રદૂષણ નહીં ફેલાય.” આશ્ચર્યની વાત એ છે કે, ઉચ્ચ અધિકારીઓએ આ વાહિયાત દલીલ સ્વીકારીને પ્રદૂષણ જેવી ગંભીર ફરિયાદનો નિકાલ કરી દીધો છે.વર્ષ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં શ્વાસની તકલીફના 1,29,352 ઇમર્જન્સી કેસ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે. ઠંડીની સિઝનમાં પ્રદૂષકો જમીન નજીક રહેતા હોવાથી વડનગરના લોકોની શ્વાસનળીમાં બળતરા અને ફેફસાના ઇન્ફેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે વડનગરના રહીશો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં કોની શરમ નડે છે? જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

