ભારતીય રેલ્વેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. જેનો રુટ સુરત થી બીલીમોરા હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.
https://x.com/ANI/status/2006651143636791532?s=20
અશ્વિની વૈષ્ણવે મજાકમાં ટિપ્પણી કરી, “તમારી બુલેટ ટ્રેનની ટિકિટ હમણાં જ ખરીદો, અને ટ્રેન આવતા વર્ષે આવશે.” તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ પહેલા સુરત થી બીલીમોરા (નવસારી) વચ્ચે દોડશે, ત્યાર બાદ બીજા ફેઝમાં વાપી થી સુરત, ત્રીજામાં વાપી થી અમદાવાદ, ચોથા ફેઝમાં થાણે થી અમદાવાદ છેલ્લે મુંબઈ થી અમદાવાદ વચ્ચે શરૂ થશે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, રેલ્વે મંત્રીએ એમ પણ કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંપૂર્ણ પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. તેનો પ્રથમ રૂટ ગુવાહાટી-કોલકાતા રાખવાનો પ્રસ્તાવ છે. આગામી દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રૂટ પર પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. આ રેલ્વે માટે એક મોટો સીમાચિહ્નરૂપ છે.
વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ, સલામતી અને લાંબા અંતરની રાત્રિ મુસાફરી પર આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.
ગયા નવેમ્બરમાં, ગુજરાતની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. તેમણે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટમાં સામેલ ઇજનેરો અને કામદારો સાથે વાતચીત કરી હતી.

