Site icon Gujarat Mirror

અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા

51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા ’અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે ચલાવવામાં આવે છે. આ સેવાયજ્ઞને વધુ વ્યાપક અને લોકભાગીદારી વાળો બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા નવી યોજના અમલમાં મૂકાઈ છે.

મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ શરૂૂ થયેલી આ યોજનામાં શ્રદ્ધાળુઓ પોતાની પસંદગીની કોઈ ખાસ તિથિ કે તારીખે આજીવન દાતા બની શકશે. જે દાતા રૂૂા. 1,51,000/- (એક લાખ એકાવન હજાર) નું દાન અર્પણ કરશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિના દાતા તરીકે નોંધાશે. દાતાએ પસંદ કરેલી તિથિએ દર વર્ષે ’અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે તેમના નામની તકતી લગાવીને વિશેષ પ્રસિદ્ધિ કરવામાં આવશે.

કોઈ દાતા એકથી વધુ દિવસ માટે જોડાવા ઈચ્છતા હોય તો તેઓ તે મુજબના ગુણાંકમાં દાન આપી શકશે. આ યોજનાના આગોતરા આયોજન અને દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આગામી 18 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11:00 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાતાશ્રીઓની નોંધણી કરવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને આ ઉમદા કાર્યમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સવારે 10:30 થી બપોરે 3:00 અને સાંજે 6:00 થી રાત્રે 9:30 કલાક સુધી. સવારે પૂરી-શાક, દાળ-ભાત અને રાત્રે ભાખરી, શાક તથા કઢી-ખીચડી પીરસાય છે. દર રવિવારે, આઠમ અને પૂનમના દિવસે મોહનથાળનો મિષ્ટાન પ્રસાદ પીરસવામાં આવે છે. સામાન્ય દિવસોમાં અંદાજે 6,000 અને રવિવાર કે પૂનમ જેવા પર્વો પર 7,000 થી 8,000 ભક્તો અહીં તૃપ્ત થાય છે. આ યોજનાથી અંબાજી આવતા યાત્રિકોને વધુ સારી સગવડ મળશે અને દાતાઓને પોતાની કમાણીનો અંશ માતાજીના ચરણોમાં ’અન્નસેવા’ દ્વારા અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે.

Exit mobile version