બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનું કહેતા કરાયો હુમલો
અમરેલી સિવીલ હોસ્પિટલમા નર્સિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને અહી મેલ નર્સ તરીકે કામ કરતા કર્મચારીને બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનુ કહેતા આ મુદે તકરાર કરી તેણે સુપરવાઇઝર પર છરી વડે હુમલો કરી દીધો હતો.
છરી વડે હુમલાની આ ઘટના અમરેલી સિવીલ નજીક ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમા બની હતી. જયાં સિવીલમા નર્સિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા સૌરભ નીલેષભાઇ પાથર (ઉ.વ.25) પર બગસરામા રહેતા અને સિવીલમા નર્સિંગ સ્ટાફમા કામ કરતા પારસ મનસુખભાઇ કાછડીયાએ આ હુમલો કર્યો હતો. અહી વોર્ડ નં-6મા મેડિકલ વેસ્ટની નીડલ નીચે પડી હોય સુપરવાઇઝર સૌરભભાઇએ પારસ કાછડીયાને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા સુચના આપી હતી. આ મુદે તેણે તકરાર કરી ગાળો દીધી હતી જેથી મેનેજમેન્ટ સુધી વાત પહોંચાડાઇ હતી.
બાદમા આ મુદે સમાધાન કરવા માટે સૌરભભાઇને ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમા બોલાવાયા હતા. જયાં પારસે સીધો જ તેમના પર છરી વડે હુમલો કરી દીધો હતો. જો કે સૌરભ પાથરે છરી પકડી લેતા તેની બે આંગળી કપાઇ ગઇ હતી. જેને સારવાર માટે સિવીલમા ખસેડાયેલ છે. આ અંગે તેણે સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
ઓપરેશન થીયેટરમા ઘુસીને ચાલુ ઓપરેશને પણ ધમકી દીધીસૌરભભાઇને આંગળીમા છરીથી ગંભીર ઇજા પહોંચી હોય ઓપરેશન થીયેટરમા 15 ટાંકા લેવાનુ કામ ચાલી રહ્યું હતુ તે સમયે પારસ ઓપરેશન થીયેટરમા પણ ઘુસી ગયો હતો અને મારી છરી લાવો તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.