ભચાઉ તાલુકાનાં સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ ઇસ્પાત કંપનીમાં ઉકળતું મેટલ પડતાં ત્રણ લોકો દાઝી ગયા હતા. જે પૈકી જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ નરસિંહપ્રસાદસિંહ (ઉ.વ.49) તથા શ્રમિક નરેન્દ્રસિંહ નારાયણ યાદવ (ઉ.વ.37)એ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ ઇસ્પાત કંપનીમાં ગત તા. 16/11ના આ બનાવ બન્યો હતો. કંપનીમાં બોક્સમાં મેટલ ગરમ કરી બાજુએ મૂકી તેનું તાપમાન માપવાનું હોય છે. બનાવના દિવસે પણ ગરમ મેટલ સાથેનું બોક્સ નીચે ઉતારવામાં આવ્યું હતું અને તાપમાન તપાસવા માટે બાજુએ મૂકાઇ રહ્યું હતું, ત્યારે ત્યાં જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ, શ્રમિક નરેન્દ્રસિંહ તથા અન્ય એક શ્રમિક હાજર હતા. દરમ્યાન બોક્સમાંથી ઉકળતું મેટલ ઉછળીને આ ત્રણેય ઉપર પડતાં ત્રણેય તેમાં દાઝી ગયા હતા.
દાઝી જનારા આ કર્મીઓને પ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહએ છેલ્લા શ્વાસ લીધા હતા. બાદમાં શ્રમિક નરેન્દ્રસિંહએ પણ દમ તોડી દીધો હતો. આ બનાવમાં કોઇની બેદરકારી છે કે કેમ? કે પછી અકસ્માતે આ બનાવ બન્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. કચ્છમાં છેલ્લા લાંબા સમયથી ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવી રહ્યો છે. વારંવાર ઉદ્યોગોમાં લોકોને જીવ ખોવાનો વારો આવે છે, તો બીજીબાજુ બેદરકારી બદલ જે કાર્યવાહી, પગલાં લેવા જોઇએ તે ન લેવાતાં હોવાનું લોકો જણાવી રહ્યા છે.
