Site icon Gujarat Mirror

આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી એક એવો નિર્ણય સામે આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગંગોત્રી ધામ અને દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં હવે બિન-હિન્દુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે સ્પષ્ટ કર્યું છે કે સનાતન પરંપરાની પવિત્રતા જાળવી રાખવા માટે આ પગલું ભરવું અનિવાર્ય હતું.

આ નિર્ણય માત્ર ગંગોત્રી પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પણ આવો જ પ્રતિબંધ લાદવાની દરખાસ્ત આગામી બોર્ડ મીટિંગમાં રજૂ કરવામાં આવનાર છે, જેને પગલે હિમાલયની ખીણોમાં આસ્થા અને અધિકારો વચ્ચેનો જંગ છેડાયો છે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ આ નિર્ણયને સમર્થન આપતા એક અત્યંત મહત્વનું વિધાન કર્યું છે. તેમણે કહ્યું કે, “આ ધામો પ્રવાસન સ્થળો નથી, પરંતુ આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરો છે. તેમના મતે, જે લોકો સનાતન ધર્મ કે ભગવાનમાં આસ્થા નથી ધરાવતા, તેમને આ પવિત્ર વિસ્તારોમાં આવવાની મંજૂરી આપવી તાર્કિક નથી. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સંતુલિત અભિગમ અપનાવતા જણાવ્યું છે કે સરકાર સંત સમુદાય, ગંગા સભા અને કેદાર-બદ્રી સભાના મંતવ્યોને ધ્યાનમાં લઈને જૂના કાયદાઓની સમીક્ષા કરશે.

સરકારના આ વલણથી સંકેત મળી રહ્યો છે કે આગામી સમયમાં ચારધામ યાત્રાના નિયમોમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ હરીશ રાવતે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ પાસે હવે કોઈ મુદ્દા બાકી રહ્યા નથી.

તેથી તેઓ ચૂંટણીલક્ષી ફાયદા માટે આવા નવા એજન્ડા લાવી રહ્યા છે. તેમણે તર્ક આપ્યો કે ધર્મે તો લોકોને આકર્ષવા જોઈએ જેથી વિશ્વ સનાતનની મહાનતા સમજી શકે, નહીં કે તેમને દૂર કરવા જોઈએ. વિરોધ અને સમર્થન વચ્ચે ગૂંચવાયેલો આ મુદ્દો હવે માત્ર ઉત્તરાખંડ પૂરતો મર્યાદિત ન રહેતા રાષ્ટ્રીય સ્તરે ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરાઓના રક્ષણ અંગેની નવી ચર્ચાને જન્મ આપી રહ્યો છે.

Exit mobile version