કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને ભારતમાં મોટા પાયે બોગસ મતદારો નોંધીને ભાજપે સત્તા કબજે કરવાનો કારસો અમલી બનાવ્યો હોવાનો આક્ષેપ કરી તેણે ખાસ્સી ચકચાર જગાવી છે. રાહુલના આક્ષેપોની ચૂંટણી પંચ તપાસ કરવાનું નથી તેથી આક્ષેપોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ તેના કારણે એક મહત્ત્વના મુદ્દા તરફ લોકોનું ધ્યાન ગયું છે. ભારતમાં બોગસ મતદારો સહિતના જે પણ આક્ષેપો થાય છે તેનું મૂળ કારણ ભારતના નાગરિક હોવાનું સાબિત કરવા માટેની ચોક્કસ સિસ્ટમનો અભાવ છે. ભારતમાં નાગરિકતા જુદી જુદી રીતે મળે છે પણ મોટા ભાગના નાગરિકોને જન્મથી નાગરિકતા મળે છે.
આ સિવાય વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોનાં સંતાનો વિદેશમાં જન્મ્યાં હોય ભારતના સિટિઝનશીપ એક્ટ, 1955માં ભારતમાંના જન્મી હોય એવી વ્યક્તિને નાગરિકતા મેળવવા માટેની લાયકાતો નક્કી કરાયેલી છે. આ લાયકાતો હોય તો રજિસ્ટ્રેશન કે નેચરલાઈઝેશનના રસ્તે ભારતની નાગરિકતા મેળવનારી વિદેશી વ્યક્તિએ અરજી કરવી પડે છે અને જરૂૂરી ધારાધોરણોનું પાલન થતું હોય તો તેમને ભારતની નાગરિકતા મળે છે. નરેન્દ્ર મોદી સરકારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019 હેઠળ 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવનારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાનો કાયદો બનાવ્યો છે તેથી ભારતની નાગરિકતા મેળવવા માટેનો એક વધુ રસ્તો ખુલ્યો છે.
ભારતમાં નાગરિકતા મેળવવા માટેના નિયમો બનાવાયા છે પણ કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિક છે જ એવું સાબિત કરવા માટેનો સર્વમાન્ય કોઈ દસ્તાવેજ નથી. કોઈ વ્યક્તિ ભારતની નાગરિક છે એવું સાબિત કરવા માટે જન્મના દાખલાથી માંડીને સ્કૂલ લિવિંગ સટેિફિકેટ સુધીના દસ્તાવેજોને માન્યતા અપાયેલી છે, પણ કોઈ ચોક્કસ દસ્તાવેજ નથી, કોઈ કાર્ડ નથી. આપણે ખરી જરૂૂર આ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવાની છે અને દેશનું નાગરિકત્વ સાબિત કરતી એક સિસ્ટમ વિકસાવવાની છે. કોઈ વ્યક્તિ દેશની નાગરિક છે કે નહીં એ સાબિત કરવા માટે કોઈ કાર્ડ હોવું જોઈએ કે કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ. આ કાર્ડ કે સર્ટિફિકેટ હોય -તે જ દેશનો નાગરિક ગણાય ને તેને જ મતદાર તરીકેનો અધિકાર મળે. -બીજાં બધાં સર્ટિફિકેટ કે કાર્ડ સિટિઝન કાર્ડ કે સર્ટિફિકેટ સાથે જોડી દેવાય તો એ વ્યક્તિની આખી કરમ કુંડળી એક જ ઠેકાણે મળી જાય.

