ક્રાઇમ
રાજકોટના ડેકોરેશનના ધંધાર્થી પાસેથી 26 લાખની લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોલીસ, તમામ મુદ્દામાલ જપ્ત; રાજકોટનો યુવાન આંગડિયા કરવા જૂનાગઢ પૈસા લાવ્યો હતો
જૂનાગઢ શહેરમાં થોડા દિવસ પહેલા ત્રણ શખ્સોએ 26 લાખની લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો હતો. રાજકોટથી આવેલા અને લાઇટ ડેકોરેશનનો ધંધો કરતા રમજાન ઉઠમના તેના મિત્રો સાથે બહારગામ જવા નીકળ્યો હતો. ત્યારે જૂનાગઢના અયાન ઉર્ફે પાંચિયાએ રમજાન અને તેમના મિત્રોને કેશોદ નજીક જમાડી જૂનાગઢમાં મિત્રો સાથે મળી 26 લાખ રૂૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો.
જે ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જે બાદ ગણતરીની મિનીટોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. રમજાન હારુનભાઈ ઉઠમનાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના મિત્ર સાથે બહારગામ જવા નીકળ્યા હતા. ત્યારે કેશોદ બાયપાસ ચોકડી નજીક બપોરના સમયે પહોંચ્યા હતા. એ સમયે ફરિયાદી રમઝાન ઉઠમનાને તેના મિત્રને બિલાલને આરોપી અયાન ઉર્ફે પાંચિયાનો ફોન આવ્યો હતો. જૂનાગઢનો આ પાંચિયો રાજકોટ થી આવેલા રમજાન ઉઠમનાના મિત્રનો મિત્ર હતો. પાંચિયો ફરિયાદી અને તેમના મિત્રોને કેશોદ નજીક આવેલ વછરાજ હોટલમાં જમવા લઈ ગયો હતો. ત્યારબાદ આ તમામ લોકો જુનાગઢ ખાતે આવેલા ગાંધી ચોક પહોંચ્યા હતા. જ્યાં આ બધા સાથે પાંચિયાના મિત્રો પણ હાજર હતા.
ફરિયાદી સાથે આવેલા તેના મિત્ર મયુરસિંહને એક આંગળિયું કરવાનું હોવાથી અયાન ઉર્ફે પાંચિયાએ ફોરવીલ તેની પાછળ હંકારવાનું કહ્યું હતું. ત્યારે ફરિયાદી તેમજ તેના મિત્રએ પાંચિયા અને તેના મિત્રોની મોટર સાયકલની પાછળ પોતાની કાર જવા દીધી હતી. રસ્તામાં પોતાની બાઈક ઉભી રાખી રમજાનને કહેલ કે, આગળ ફોરવીલ નહીં જાય તમે બાઈકમાં બેસી જાવ. તે સમયે ફરિયાદી રમઝાન અયાન ઉર્ફે પાંચિયાની બાઈક પર બેસી આંગણીયા પેઢી તરફ જવા લાગ્યા હતા. ત્યારે રસ્તામાં આરોપી પાસે ફરિયાદીને ઉભા રાખી પાંચીયો અને તેના મિત્રો ત્યાંથી જતા રહેલા હતા. થોડીવારમાં અયાન ઉર્ફે પાંચિયાના મિત્રએ આવી ફરિયાદી રમઝાનની ડોક પર છરી રાખી રોકડ રૂૂપિયા ભરેલો 26 લાખનો બેગ લઈ બે ઇસમો ફરાર થઈ ગયા હતા.
જેને લઈ ફરિયાદી રમજાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 26 લાખ રોકડ રૂૂપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં અયાન ઉર્ફે પાંચિયો, રમીન ખાન ઉર્ફે ભાવનગરી, અને સાહિલ દલને ઝડપી પાડ્યા હતા. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા ત્રણે આરોપીની હાલ પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી અયાન સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ફરીયાદી આ લાખો રૂૂપિયા ક્યાં હેતુથી લાવ્યા હતા ? કોને આંગળીયા કરવાના હતા ? અને આ લૂંટના ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.