પૂર્વ આઇએએસ અને કચ્છ કલેકટર પ્રદિપ શર્મા સહિત 4 વ્યકિતઓને ભુજની કોર્ટ દ્વારા પાંચ વર્ષની કેદની સજા ફટકારવામા આવી છે. સમાઘોઘા ખાતે આવેલી જિંદાલ સોપાઇપ્સ લી. કંપનીને સરકારી નીતિ નિયમો નેવે મુકીને ગેરકાયદેસર રીતે જમીન ફાળવવાના કેસમા આ સજા સંભળાવવામા આવી છે. તત્કાલીન ટીપીઓ નટ્ટુભાઇ દેસાઇ, ના. મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને તત્કાલીન નિવાસી ના. કલેકટર અજીતસિંહ ઝાલાને પણ પાંચ વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂ. 10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.
આ કેસની વિગતો જોઇએ તો વર્ષ 2004 માં સોપાઇપ્સ લી. જિંદાલ સમાઘોઘા કંપની દ્વારા કચ્છમા ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણી કરવા માગણી કરવામા આવી હતી. જે અંગે સરકાર દ્વારા એક જ ગામની જુદા જુદા સર્વે નંબરની એક જ દિવસે એક જ હેતુ માટે એક જ એકમ દ્વારા માંગણી કરાયેલ હોય ત્યારે બે હેકટર અથવા તો 15 લાખની કિંમત સુધીની જમીન ફાળવવાની સત્તા આપવામા આવી છે. પરંતુ આરોપીઓ પ્રદિપકુમાર નિરંકરનાથ શર્મા (તત્કાલીન કલેકટર, ભુજ), નટુભાઇ મોતીભાઇ દેસાઇ (તત્કાલીન નગરનિયોજક, ભુજ), નરેન્દ્ર પોપટલાલ પ્રજાપતિ (નાયબ મામલતદાર, કચ્છ) અને અજીતસિંહ મહીપતસિંહ ઝાલા (તત્કાલીન, નિવાસી નાયબ કલેકટરભ, ભુજ) દ્વારા સરકારશ્રીના વખતો વખતના પરીપત્રો અને હુકમોને ધ્યાને નહી લઇને માંગણીદાર કંપનીને આર્થિક રીતે ફાયદો કરાવી આપવાના બદ ઇરાદે સરકારને આર્થિક નુકસાન થાય તે રીતે સર્વે નં. 326 માં 20538 ચો.મી. જમીન ફાળવી દેવામા આવી હતી. આ જમીન અંગે અલગ અલગ ફાળવણીનાં હુકમો કરી કુલ 47137 ચો. મી. જમીન તા. 25-3-2004ના રોજ ફાળવી દેવામા આવી હતી. સરકારે નકકી કરેલ મર્યાદા કરતા કુલ 27137 ચો.મી. જમીન વધારે ફાળવી દેવાતા આ અંગે રાજકોટના સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમા એફઆઇઆર નં. 1/11 થી ઇ.પી.કો.ક. 217, 409, 120 (બી) મુજબ ગુનો તા. 22-2-2011 ના રોજ દાખલ થયેલ હતો. જે અંતર્ગત કેસ ચાલી જતા ચોથા અધિક ચીફ જયુડી. મેજી. ની કોર્ટમા આજે ચુકાદો સંભળાવવામા આવ્યો હતો. જેમા આ કામના તમામ આરોપીઓને આ કામેના તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ 409, 120(બી), મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા અને રૂૂ.10,000/- દંડ કરેલ તેમજ આઇ.પી.સી. કલમ 217 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવીને 3 માસની સાદી કેદની સજા તથા આરોપી પ્રદીપકુમાર એન.શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017 ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ 5 વર્ષની સજા પુર્ણ કર્યા બાદ ઉપરોકત 5 વર્ષની સજાની અમલ શરૂૂ કરવા હુકમ કરેલ છે અને દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા સંભળાવવામા આવી છે.
આ કામે રાજય સરકાર સી.આઇ.ડી.ક્રાઇમ, એજન્સીના પ્રોસીકયુશન તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર એચ.બી.જાડેજા હાજર રહેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામા વેલસ્પન કંપનીને આવી જ રીતે ગેરકાયદેસર રીતે જમીન ફાળવવાના કેસમા એસીબીમા ગુનો નોંધાયો હતો. જેમા પાંચ વર્ષની સજા સંભળાવવામા આવી હતી. હવે આજે જિંદાલ કંપનીનાં કેસમા પણ પ્રદિપ શર્માને વધારાના પાંચ વર્ષની સજા સંભળાવવામા આવી છે.

