અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીનાં ગુણગાન ગાતા થઈ ગયા છે. મોદી સતત એક વાત પર ભાર મૂક્યા કરે છે કે, ભારતે દરેક બાબતમાં આત્મનિર્ભર બનવું જોઈએ અને સ્વદેશીને અપનાવવું જોઈએ. હમણાં તો મોદીએ ત્યાં લગી કહી દીધું કે, બીજા દેશો પર નિર્ભરતાથી મોટી લાચારી બીજી કોઈ નથી. મોદીએ રવિવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં પણ સ્વદેશીનો મહિમા ગાયો અને દેશની તમામ રાજ્ય સરકારોને સ્વદેશી અભિયાન તેમજ સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપવા વિનંતી કરી. મોદીએ અપીલ કરી છે કે, પોતપોતાનાં રાજ્યોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવો.
મોદીએ ઉત્પાદકોને પણ અપીલ કરી છે કે, આપણે જે પણ બનાવીએ એ વિશ્વમાં શ્રેષ્ઠ હોવું જોઈએ અને આપણા ઉત્પાદનોની ગુણવત્તા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધારવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના યોગદાન સામે સતત શંકા કર્યા કરતા મોદીએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વદેશીએ ઊજવેલી ભૂમિકાને યાદ કરીને કહ્યું કે, સ્વદેશીના મંત્રે દેશની સ્વતંત્રતાને શક્તિ આપી હતી એ જ રીતે અત્યારે સ્વદેશી દેશની સમૃદ્ધિને શક્તિ આપશે.
સૈદ્ધાંતિક રીતે મોદીની વાતો સાચી છે પણ તકલીફ એ છે કે, મોદી સરકારે અત્યાર લગી એવું કશું નક્કર કર્યું નથી કે જેના કારણે સ્વદેશીને પ્રોત્સાહન મળે અને લોકો સ્વદેશી તરફ વળે. મોદી સતત વિદેશોમાં ફરીને વિદેશી રોકાણ ભારતમાં આવે તેના માટે મથતા રહ્યા તેના કારણે ભારત મોદી શાસનનમાં 11 વર્ષમાં ખુલ્લેઆમ વિદેશી કંપનીઓ વિરુદ્ધ વલણ લઈ નથી શક્યું. મોદી સરકારે સ્વદેશીને પ્રોત્સાહન મળે એ માટે એવી કોઈ નક્કર નીતિ પણ બનાવી નથી.
આત્મનિર્ભર ભારત સહિતની યોજનાઓ જાહેર કરાઈ પણ તેમાં મુખ્યત્વે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની વાત છે જ્યારે ભારતમાં મુખ્ય વ્યાપાર તો રોજિંદા વપરાશની ચીજોનો છે. આજે પણ આપણે નાનામાં નાની જરૂૂરીયાત માટે વિદેશ કંપનીઓ પર નિર્ભર છીએ. ટૂથપેસ્ટ હોય કે ટીવી હોય, એર કન્ડિશનર હોય કે એરોપ્લેન હોય, મોબાઈલ ફોન હોય કે મોટર કાર હોય, આપણી લગભગ તમામ જરૂૂરીયાતો વિદેશી કંપનીઓ જ પૂરી કરે છે. વાસ્તવમાં સ્વદેશી ખ્યાલી પુલાવ છે.
અર્થશાસ્ત્ર કહે છે કે કોઇપણ દેશ પાસે કુદરતી સંસાધનો હોય, ટેકનોલોજી હોય અને ઓછા ખર્ચે ઉત્પાદન કરવાની મહારથ હોય તેના પર ધ્યાન આપવું જોઇએ. ઘણીવાર એવું બને છે કે ફિનિસ્ડ પ્રોડકટના ઉત્પાદન માટે આપણી પાસે બધી જ સાનુકુળતા હોય પણ કાચો માલ ન હોય તો શું થાય? એની આયાત જ કરવી પડે.
ફાર્મા ઉદ્યોગ આનો દાખલો છે. એવી જ રીતે ઉત્પાદનખર્ચ વધુ હોય તે ચીજોની આયાત સરવાળે સસ્તી પડે. સ્વદેશીની વાત આવે ત્યારે કૃષિક્ષેત્ર ભુલાઇ જાય છે. આજે આપણે વિપુલ પ્રમાણમાં ખાદ્યતેલ, કપાસ પણ, દાળની આયાત કરીએ છીએ. ઓછામાં ઓછું આપણે આ મામલે આત્મનિર્ભર થવાની જરૂર છે. કેમ કે દેશ એક વખતે ખેતીપ્રધાન કહેવાતો હતો. આજે જીડીપીમાં કૃષિનું યોગદાન ઓછું છે. તો પણ રોજગારીની અસરે એનો ફાળો મોટો છે તે યાદ રાખવું જોઇએ.

