ચૂંટણી ટાણે નેતાઓના આટાફેરા પણ વિકાસના નામે મીંડુ
કાલાવડ તાલુકાના છેવાડાના ગામ ધાંધલપીપળીયાની હાલત અત્યારે “દીવા તળે અંધારું” જેવી જોવા મળી રહી છે. આ ગામ જાણે વિકાસના નકશામાંથી ગાયબ થઈ રહ્યું હોય તેમ છેલ્લા 15 વર્ષથી અહીંના ગ્રામજનો પાયાની સુવિધા ગણાતા રસ્તા માટે વલખાં મારી રહ્યા છે. ધાંધલપીપળીયાથી નિકાવા સુધીનો અંદાજે 7 કિલોમીટરનો મુખ્ય માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે ત્યાંથી પસાર થવું એટલે મોતના મોઢામાં જવા સમાન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગામમાં નેતાઓ ફક્ત ચૂંટણીના સમયે જ સફેદ કપડાંમાં ચમકતા જોવા મળે છે. હાથ જોડીને મતોની ભીખ માંગ્યા બાદ એકવાર સત્તા મળી જાય એટલે કોઈ નેતા આ ગામની સામે ડોકિયું સુદ્ધાં કરતું નથી.
ત્રણ-ત્રણ સરપંચોનો કાર્યકાળ પૂરો થયો, સરકારો બદલાઈ, પણ આ કમનસીબ રોડની કિસ્મત બદલાઈ નથી. ગામના યુવાનો સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને વાહ-વાહ મેળવવામાં મશગૂલ છે, પરંતુ જમીની હકીકત પર વિકાસ માટે કોઈ નક્કર લડત આપવા તૈયાર નથી. આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગ્રામજનોમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. શું આ વખતે પણ ગ્રામજનો નેતાઓના પોલા આશ્વાસનોમાં આવી જશે કે પછી ’રોડ નહીં તો વોટ નહીં’ જેવો મક્કમ નિર્ધાર કરશે? ઉબડખાબડ રસ્તાને કારણે ટુ-વ્હીલર ચાલકો અવારનવાર પટકાય છે.
કટોકટીના સમયે એમ્બ્યુલન્સને ગામ સુધી પહોંચતા કલાકો નીકળી જાય છે. વિદ્યાર્થીઓની હાલાકી નિકાવા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં કાદવ-કીચડ ખૂંદીને જવું પડે છે. હવે સમય આવી ગયો છે કે સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળી, ગામના યુવાનો અને અગ્રણીઓ અંગત રસ દાખવીને ધારદાર રજૂઆત કરે. જો હજી પણ જાગૃત નહીં થવાય, તો ધાંધલપીપળીયા ગામ ભૌગોલિક રીતે ભલે અસ્તિત્વમાં હોય, પણ સુવિધાઓની દ્રષ્ટિએ નકશામાંથી ભૂંસાઈ જશે તેમાં કોઈ શંકા નથી.

