ગુજરાત
રિક્ષાચાલકની લુખ્ખાગીરી, વકીલને અડફેટે લીધા, ઠપકો આપતા હુમલો ર્ક્યો
કાન્તા વિકાસ ગૃહ ચોક પાસેની ઘટના: લોહી-લુહાણ હાલતમાં યુવાનને હોસ્પિટલે ખસેડાતા 9 ટાંકા આવ્યા
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ લુખ્ખા તત્વો નજીવા પ્રશ્ને જીવલેણ હુમલા કરી ધાક જમાવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં ઢેબર રોડ ઉપર કાંતા વિકાસ ગૃહ પાસે સિગ્નલ બંધ હોવા છતાં ધસી આવેલા રીક્ષા ચાલકે બાઈક ચાલક વકીલને હડફેટે લીધા હતા. વકીલે ઠપકો આપતા રીક્ષા ચાલકે હુમલો કરી માર માર્યો હતો. યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ કિરણ સોસાયટીમાં રહેતા અને વકીલાત ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા કુલદીપસિંહ નટવરસિંહ વાઘેલા નામનો 33 વર્ષનો યુવાન સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઢેબર રોડ ઉપર કાંતા વિકાસ ગૃહ ચોક પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો.
ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે કુલદીપસિંહ વાઘેલાના બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. અકસ્માત બાદ રિક્ષા ચાલકે કુલદીપસિંહ વાઘેલા ઉપર લોખંડના કોઈ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. એડવોકેટ કુલદીપસિંહ વાઘેલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા કુલદિપસિંહને વાઘેલાને નવ જેટલા ટાકા આવ્યા હતા. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હુમલામાં ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવા વકિલનું નિવેદન નોંધયું હતું.
પ્રાથમિક પૂછપરછમાં કુલદીપસિંહ વાઘેલા કાંતા વિકાસ ગૃહ ચોક પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેની સાઈડનું સિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી કુલદીપસિંહ વાઘેલાના બાઇકને ઉલાળીયું હતું. તેથી કુલદીપસિંહ વાઘેલાએ જોઈને ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા અજાણ્યા રિક્ષા ચાલકે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.