Site icon Gujarat Mirror

દાઉદ સાથેની તસવીરે મારી કેરિયર ખતમ કરી નાખી

બોલિવૂડમાં એક એવો સમય હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગ પર અંડરવર્લ્ડનું ભારે વર્ચસ્વ હતું. તે સમયગાળા દરમિયાન અભિનેત્રી મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની એક તસવીરે ભારે ચર્ચા જગાવી હતી. કહેવાય છે કે આ તસવીર 1994ની ભારત-પાકિસ્તાન મેચની છે. હવે પહેલીવાર મંદાકિનીએ આ તસવીર અંગે મૌન તોડ્યું છે. વર્ષોથી આ તસવીર વિશે વિવિધ દાવાઓ કરવામાં આવ્યા છે અને બંને વચ્ચેના અંગત સંબંધો વિશેની અફવાઓ પણ વ્યાપકપણે ફેલાઈ હતી. જોકે અભિનેત્રીએ હવે સ્પષ્ટ કર્યું છે કે તે દાઉદને ઓળખતી પણ નહોતી કે તે તેના આમંત્રણ પર દુબઈ ગઈ નહોતી.

1994માં દુબઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી હતી. તે સમયે સ્ટેડિયમમાં મંદાકિની અને દાઉદની તસવીરો સામે આવી હતી, જેણે મેચ કરતાં પણ વધુ ચર્ચા જગાવી હતી. અગઈં સાથે વાત કરતા મંદાકિનીએ સ્પષ્ટતા કરી હતી કે તે એક શો માટે દુબઈ ગઈ હતી, દાઉદને મળવા માટે નહીં.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે દાઉદે તેને ત્યાં આમંત્રણ આપ્યું નહોતું. તે એક શો માટે ગઈ હતી અને ત્યારબાદ મેચ જોવા ગઈ હતી, જ્યાં તસવીરો લીક થઈ હતી. તેણે ઉમેર્યું હતું કે તસવીરો સામે આવ્યા બાદ ફેલાયેલી અફવાઓ પર તેનું કોઈ નિયંત્રણ નહોતું. મંદાકિનીએ જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે તે ઘણા લોકોને મળે છે અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ રાખતી નથી.

અભિનેત્રીએ કહ્યું, “લોકો શું લખે છે કે શું કહે છે તેના પર અમારું કોઈ નિયંત્રણ હોતું નથી. એક કલાકાર હજારો લોકોને મળે છે અને અમારા માટે દરેક સમાન હોય છે. ત્યાં ઘણા બધા લોકો હતા. કોની સાથે તસવીર લેવી અને કોની સાથે નહીં તે નક્કી કરવું… દાઉદે મને આમંત્રણ નહોતું આપ્યું. અમે ત્યાં એક શો માટે ગયા હતા.”
આ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ સ્વીકાર્યું કે આ તસવીરોને કારણે તેને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ તસવીરોને કારણે અનેક વિવાદો અને મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેણે જણાવ્યું હતું કે તેની ફિલ્મ કારકિર્દી પર તેની ખૂબ જ નકારાત્મક અસર પડી હતી. બાદમાં તેને આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે એક ટીમ હોવાનું મહત્વ સમજાયું.

1993 ના મુંબઈ વિસ્ફોટો બાદ દાઉદ ઈબ્રાહિમ દુબઈ ભાગી ગયો હતો. જ્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, ત્યારે એક ક્રિકેટ મેચ દરમિયાન મંદાકિની અને દાઉદની તસવીરો સામે આવતાં દેશભરમાં ચર્ચા જાગી હતી. બંને વચ્ચેના અંગત સંબંધો અંગેની અફવાઓએ જોર પકડ્યું હતું. ત્યારબાદ પોલીસે મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધાર એવા દાઉદ વિશે મંદાકિનીની પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં તેને ક્લીન ચિટ આપી દીધી હતી. હવે વર્ષો પછી અભિનેત્રીએ આ બાબતે ખુલીને વાત કરી છે.

Exit mobile version