વિવાદ કે દાવો પડતર હોય તેવા કિસ્સા બાકાત, મકાન-દુકાન- ફ્લેટ સહિતની મિલકતોમાં લાગુ પડશે નવા સુધારા
રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. મહેસૂલી સરળીકરણ માટે જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 135-ઉની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને 30 દિવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે. અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી.
આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં 135-ડીની 30 દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે.નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135-ડીની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે.
આવા કિસ્સાઓમાં 135-ડીની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને ’પાકી એન્ટ્રી’ કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે 135-ડીની નોટીસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલાવારી કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. જો એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા કરવામાં આવ્યું હોય, 7/12માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરવામાં આવ્યો છે. આ 7 દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય.
આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો, જે માત્ર 135-ડીના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે. ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે.
10 ગુંઠા જમીનને ટુકડાધારામાંથી મુક્તિ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાત સરકાર જનહિતના નિર્ણયોમાં હંમેશા અગ્રેસર રહી છે. આ કડીમાં એક વધુ સુવર્ણ પ્રકરણ ઉમેરતા, રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ વટહુકમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર ‘રેગ્યુલાઈઝ’ (વિનિયમિત) કરવામાં આવશે. પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે. અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે.

