જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા શાંત ગણાતા ડુંગરપુર અને ખડિયા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. નશાની ઘેરી લત અને ક્ષણિક આવેશમાં થયેલી બોલાચાલીએ એક 40 વર્ષીય મજૂર યુવાનનો ભોગ લીધો છે. રફિકશા કરીમશા રફાઈ નામના યુવાનની લોખંડના સળિયા અને લાકડીઓના ફટકા મારીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીની લાગણી પ્રસરી ગઈ છે. જોકે, જૂનાગઢ પોલીસે આ ગંભીર ગુનાની તપાસમાં ત્વરિતતા દાખવીને ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, મૃતક રફિકશા કરીમશા રફાઈ ડુંગરપુર વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે ગઈકાલે પોતાના ઘરે હાજર હતા ત્યારે આ ગુનાના આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેમના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ રફિકશાને પોતાની સાથે ’ધના મહારાજ’ના આશ્રમ પાસે આવવા માટે દબાણ કર્યું હતું. આ એક નશાના કારણે ઉભી થયેલી માથાકૂટનો કરુણ અંજામ છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી અલગ-અલગ ટીમો બનાવી હતી અને ગણતરીના કલાકોમાં જ મિલન સોલંકી અને અનિલ ગુજરાતીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ ત્રણેય શખ્સો કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવા માટે એકઠા થયા હતા. નશાની હાલતમાં કોઈ જૂની અદાવત અથવા તાત્કાલિક કોઈ વાત પર તકરાર થતા મામલો બિચક્યો હતો. આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નશાના નશામાં ઉશ્કેરાઈ ગયા હતા અને રફિકશા સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન નજીકમાં પડેલા લોખંડના સળિયા અને ધોકા વડે રફિકશા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ એટલી હદે નિર્દયતા દાખવી હતી કે રફિકશાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને હુમલાના કારણે તેમના પગમાં પણ ફેક્ચર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે રફિકશાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સહિત તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓ પૈકી મિલન સોલંકી અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તેની સામે અગાઉ પણ સામાન્ય ગુનાઓ નોંધાયેલા છે. નશાની મહેફિલમાં થયેલી આ હત્યાએ સ્થાનિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. સામાન્ય મજૂરી કામ કરતા યુવાનની આ રીતે હત્યા થતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની સઘન પૂછપરછ શરૂૂ કરી છે.

