વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મવિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. ઝાકિર હુસૈનનું 14 ડિસેમ્બરે અવસાન થયું હતું પણ પરિવારે આ વાત જાહેર નહોતી કરી. તેમના ભાઈ રવિવારે રાત્રે અમેરિકા જવા રવાના થયા પછી જાહેરાત કરાઈ. નવી પેઢી ઝાકિર હુસૈનને તાજ ચાની જાહેરખબરમાં ચમકતા વાહ તાજ કહેતા તબલાંવાદક તરીકે ઓળખે છે પણ વૈશ્વિક સ્તરે તેમની ઓળખ પૂર્વ અને પશ્ચિમના સંગીતનો સમન્વય કરાવનારા મહાન સંગીતકાર તરીકે હતી.
ભારતીય વાદ્ય સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડનારા પંડિત રવિશંકર, બિસ્માલ્લાહ ખાન, હરિપ્રસાદ ચૌરસિયા સહિતના મહાન ભારતીયોની યાદીમાં તેમનું નામ લેવાય એટલું મોટું તેમનું યોગદાન છે. મિકી હાર્ટ, જોન મેકલોફલિન જેવા પશ્ચિમના ધુરંધર કલાકારો સાથે ફ્યુઝન મ્યુઝિક દ્વારા તેમણે દુનિયાભરના સંગીત રસિયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઝાકિર હુસૈને ફિલ્મ સંગીતમાં પણ યોગદાન આપ્યું છે. બાવર્ચી, સત્યમ શિવમ સુંદરમ, હીર-રાંઝા અને સાઝ જેવી જૂની ફિલ્મોમાં હુસૈન સાહેબના તબલાંનો જાદુ જોઈ શકાય છે. લિટલ બુદ્ધ અને સાઝ જેવી ફિલ્મોમાં ઝાકિર હુસૈને અભિનય પણ કર્યો હતો. મતલબ કે, ઝાકિર હુસૈન ગ્લેમરની દુનિયામાં પણ છવાયેલા હતા પણ રસપ્રદ ત એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુઝન મ્યુઝિક ફિલ્મ સંગીતમાં વાત જબરદસ્ત સફળતા મળી પછી પણ ઝાકિર હુસૈને તબલાં છોડયાં નહોતાં કેમ કે તબલાંને એ પોતાનો ધર્મ માનતા હતા.
તબલાંને પોતાના પરિવારની અમૂલ્ય ભેટ માનતા હતા. ઝાકિર હુસૈને ભારતમાં એક એકથી ચડિયાતા ધુરંધરો સાથે સંગત કરીને પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો. ઝાકિર હુસૈને ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે ખ્યાતિ મેળવી હતી પણ પોતાનાં મૂળને નહોતા ભૂલ્યા. આ કારણે જ સિનિયર ડાગર બ્રધર્સ, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબથી લઈને બિરજુ મહારાજ અને નીલાદ્રી કુમાર, હરિહરન સુધીની 4 પેઢીના કલાકારો સાથે તબલાં પર સંગત કરીને ભારત સાથેનો નાતો પણ જાળવી રાખ્યો હતો.
આ યોગદાનના કારણે ઝાકિર હુસૈન તેમના પિતા ઉસ્તાદ અલ્લારખાંની જેમ તબલાંનો પર્યાય બની ગયા હતા. ઝાકિર હુસૈનના નામે બીજી પણ એક સિદ્ધિ બોલે છે. ઝાકિર હુસૈને પોતાનું બેન્ડ શક્તિ શરૂૂ કર્યું હતું. 2024માં આ બેન્ડને 3 ગ્રેમી એવોર્ડ એનાયત થયા છે. એકસાથે 3 ગ્રેમી એવોર્ડ જીતનારા ઝાકિર હુસૈન પહેલા અને એકમાત્ર ભારતીય છે. ઝાકિર હુસૈન પહેલા ભારતીય સંગીતકાર હતા જેમને વાઇટ હાઉસ ખાતે ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ મહાન લોકોને પોતે મુસલમાન છે એવું યાદ નહોતું ને આ દેશનાં લોકોએ તેમને એ કદી અહેસાસ ના કરાવ્યો કે તમે અમારાથી અલગ છો કેમ કે એ લોકો આપણામાંથી એક હતા, છે અને રહેશે.
આ વાત ઝાકિર હુસૈન, બિસ્મિલ્લાહ ખાન, ઉસ્તાદ બડે ગુલા અલી ખાં કે મોહમ્મદ રફી જેવા ગણતરીના કલાકારોને લાગુ નથી પડતી પણ તમામ મુસ્લિમોને લાગુ પડે છે. આ જ ભારતીયતા છે ને આ ભારતીયતા કોઈ એક ધર્મથી નથી બનેલી. કમનસીબે આ વાત ભુલાઈ રહી છે. ભારતીયતા પર પણ ધર્મનાં લેબલ લગાવાઈ રહ્યાં છે ત્યારે ઝાકિર હુસૈન સહિતના મહાન લોકોએ ધર્મથી પર રહીને આ દેશને અપાવેલા ગૌરવને પાછું યાદ કરવું જોઈએ. આ વાત કોઈ એક ધર્મનાં લોકોને નહીં પણ બધા ધર્મનાં લોકોને લાગુ પડે છે.

