Connect with us

વિશેષ અંક

કેમેરાની આંખે…ફોટોગ્રાફીની પાંખે મેળવી સફળતા

Published

on

“કોઈપણ લગ્ન પ્રસંગ હોય ત્યારે નવવધૂની લાગણી તેના ચહેરાના એક્સપ્રેશનમાં ઝલકતી હોય છે.આ હાવભાવ લગ્ન પહેલા પણ નહીં જોવા મળે અને પછી પણ નહીં જોવા મળે તો આ મોમેન્ટ કેપ્ચર થવી જોઈએ. વરમાળા પહેરાવતી વખતે વરરાજાના દોસ્તો અને ક્ધયાની બેનપણી દ્વારા જે હસી મજાક થાય છે ઉપરાંત હલ્દીના સમયે ફૂલો ઉડાડવામાં આવે છે તેમજ પીઠી લગાવવામાં આવે છે એ બધી જ ક્ષણો વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વની હોય છે, તેથી તે દરેક કલાત્મક રીતે કેમેરામાં કંડારવી જરૂૂરી છે.” આ શબ્દો છે જામનગરના મહિલા વેડિંગ ફોટોગ્રાફી કરતા હીરલબા પરમારના.સામાન્ય રીતે ગળામાં કેમેરા લટકાવી પ્રસંગમાં આમથી તેમ દોડાદોડી કરી મહત્ત્વની ક્ષણોને કેમેરામાં કંડારવાની કામગીરી કોઈ યુવતી કરતી હોય તે સમાજ માટે આશ્ચર્યની બાબત છે પરંતુ આજના સમયમાં આ ફિલ્ડમાં પણ યુવતીઓ ખૂબ જ ગૌરવથી કામ કરી રહી છે.
હીરલબાનો જન્મ અને અભ્યાસ સુરત નજીક નાનકડા ગામમાં થયો.માતા નીતાબા ખરવાસિયા અને પિતા નરેન્દ્રસિંહ ખરવાસિયાએ ત્રણે સંતાનો પોતાની ઈચ્છા મુજબ કેરિયર બનાવી શકે તે માટે શિક્ષણ આપ્યું. મોટી દીકરી હીરલ બાએ બીસીએ કર્યું ત્યારબાદ ફોટોગ્રાફી અને વીડિયો એડિટિંગમાં રસ હોવાથી સુરતમાં ફોટોગ્રાફીનો નાનો કોર્સ કર્યો,આમ ફોટોગ્રાફીના શ્રીગણેશ કર્યા. શરૂૂઆતમાં બેબી શાવર, બર્થડે પાર્ટી,બોર્ન બેબી ફોટોગ્રાફી જેવા નાના નાના ઇવેન્ટ કર્યા. ધીમે ધીમે ફાવટ આવી જતા વેડિંગ ફોટોગ્રાફી શરૂૂ કરી.આ સમય દરમિયાન યુવરાજસિંહ પરમાર સાથે લગ્ન થતાં જામનગર આવ્યા.પોતાની ફોટોગ્રાફીની કેરિયરરૂપી જે છોડની માવજત માતા-પિતાએ કરી હતી તેને પતિ યુવરાજસિંહ પરમાર, સાસુ ભારતીબા પરમાર અને સસરા જસવંતસિંહ પરમારે પ્રોત્સાહન રૂપી જળથી સિંચન કરી વટવૃક્ષ બનાવ્યું.આ બાબતે હિરલબા જણાવે છે કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આવા માતા-પિતા મળ્યા. પોતાના સંતાનને માતા-પિતા તો મદદ કરે જ પરંતુ પતિ તથા સાસુ,સસરાનો જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે તે મારા માટે મહત્ત્વનું છે તેમના સાથ અને સહકારનાં કારણે હું આજે સફળ છું.અચાનક કોલ આવે અને નીકળવું પડે અથવા રાત્રે આવતા મોડું થાય ત્યારે માતા-પિતાની જેમજ સાસુ સસરા કાળજી લે છે.આવું આજના સમયમાં બહુ ઓછું જોવા મળે.’
આજકાલ એન્ડ્રોઇડ અને આઈફોનના જમાનામાં ફોટોગ્રાફરની જરૂરિયાત વિશે હીરલબા જણાવે છે કે, ‘તમારી પાસે લાખ રૂૂપિયાનો આઇફોન કે કેમેરા હશે પરંતુ કેમેરા પાછળની વ્યક્તિને જો ટેક્નિક એંગલ કે લાઇટ્સનું નોલેજ નહિ હોય તો તમારી ફોટોગ્રાફી યોગ્ય થશે નહિ. ક્વોલિટીમાં માનતા લોકો પોતાના પ્રસંગમાં ફોટોગ્રાફરને જરૂૂર બોલાવે છે.એમાં પણ મહિલા ફોટોગ્રાફરને જોઈને લોકોની આંખોમાં આશ્ચર્ય સાથે આનંદ દેખાય ત્યારે ગમે.પ્રસંગમાં જાત જાતના લોકો મળે છે ત્યારે અનુભવી, આંખ વ્યક્તિને ઓળખી જાય છે. ઇવેન્ટમાં પાંચથી સાત લોકોની ટીમ છે દરેકનો સહયોગ પણ ખૂબ જ સુંદર રહ્યો છે.’ છેલ્લા સાત વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા હિરલબાના પરિવારમાં નાના મહેમાનનું આગમન થવાનું છે.ભવિષ્યમાં ન્યૂ બોર્ન બેબી માટે સ્ટુડિયો ખોલવાનું તેઓનું સ્વપ્ન છે. ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ…

LIFESTYLE

જાણો પોષક તત્ત્વોથી ભરપૂર દાડમના અગણિત ફાયદા

Published

on

By

દાડમ સ્વાસ્થ્યવર્ધક ફળોમાંથી એક છે. દાડમના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દાડમ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી જો કોઈ દરરોજ દાડમના રસનું સેવન કરે છે, તો તે ઘણા રોગોને દૂર કરે છે. દાડમના રસમાં ફાઇબર, પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ, વિટામિન ઇ, વિટામિન એ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, વિટામિન સી અને વિટામિન કે હોય છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જેમ દાડમનો રસ પીવાના ઘણા ફાયદા છે, તેમ કેટલાક ગેરફાયદા પણ છે.

 

દાડમનો રસ પીવાના ફાયદા અને ગેરફાયદા શું છે

– દાડમમાં રહેલ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગ સામે લડવાની શક્તિમાં વધારો કરે છે.
– તેનું નિયમિત સેવન કરવાથી તાવ, ઉધરસ, શરદી જેવી બિમારીઓથી રક્ષણ પૂરું પાડે છે.
– તેનું નિયમિત સેવન કરવાથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે માટે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચી શકાય છે.
– દાડમના રસમા રહેલા એન્ટીઓક્સિડન્ટસ્ તત્વો શરીર માંથી ટોકિસનને બહાર કાઢે છે જેથી ફેફસાંનું કેન્સર, સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને બીમારી થવાની સંભાવનામાં ઘટાડો થાય છે.

– તેના રસનું રોજ સેવન કરવાથી હ્રદયરોગ અને લકવાનો ખતરો ઓછો થાય છે.
– દાડમ સપ્રમાણમાં દરરોજ ખાવાથી લોહી વધે છે. તેમાં વિટામિન કે, બી અને સી આવે છે. ફાઈબર, આર્યન, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો આવેલા છે.
– દાડમના રસ સાથે જીરાના પાવડરને શેકીને મિશ્રિત કર્યા બાદ સાથે લેવાથી અપચામાં રાહત મળે છે.
– દાડમના દાણાને વ્યવસ્થિત રીતે ચાવીને ખાવામાં આવે તો કબજિયાત માંથી રાહત મળે છે.
– ઉધરસની સમસ્યામાં તેની તાજી છાલને ચૂસીને ખાવાથી ખાંસીમાં રાહત મળે છે.
– પેટની બળતરા થતી હોય તો તેનો રસ પીવાથી પેટની બળતરામાં રાહત મળે છે.
– તાવમાં વારંવાર તરસ લાગતી હોય તો દાડમના દાણાનો રસ પીવાથી રાહત મળે છે.
– દાંતને ચમકાવવા માટે દાડમની છાલનો પાવડર બનાવીને તેને દાંત પર ઘસવાથી દાંતમાં ચમકાટ આવે અને પેઢાને મજબૂત બનાવે છે.
– ટાઈફોઈડ થયો હોય તેણે દાડમના પાનના ઉકાળામાં સંચળને મિશ્રિત કરીને લેવાથી તેમાં રાહત મળે.
– હથેળી કે પગના તળિયામાં બળતરા થતી હોય તો તેના પાનને પગના તળિયાના ભાગે પીસીને લગાવવાથી બળતરા માંથી રાહત મળે છે.
– દાડમના રસને સરખી રીતે તેનું ગાળણ કર્યા બાદ આંખમાં આંજવાથી આંખની બળતરા માંથી છુટકારો મળે છે.
– દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં મિશ્રિત કરીને તેનું સેવન કરવાથી મહિલાઓને પ્રદર રોગ માંથી છુટકારો મળે છે.
– લોહીની કમીને દૂર કરે છે અને શરીરમાં નવા કુદરતી લોહીને વધારે છે. તેમાં રહેલ ફોલિક એસિડ લોહીમાં રહેલી આયરનની ખામીને દૂર કરે છે અને એનિમિયા જેવી બિમારીઓથી રક્ષણ પૂરું પાડે છે.
– દાડમના પાન પીસીને દાઝેલા ઘા ઉપર લગાવવાથી બળતરામાં ઘટાડો થાય છે અને દર્દમાં રાહત મળે છે.
– દાડમ હ્રદય માટે ગુણકારી છે. હ્રદય તંદુરસ્ત રહે છે.
– ડાયાબિટીસના દર્દીઓ માટે દાડમનું સેવન લાભદાયક સાબિત થાય છે. તેમાં ગળપણ હોય છે પરંતુ તે સુગર લેવલને વધારતું નથી પરંતુ સુગરને નિયંત્રણમાં રાખે છે.
– દાડમના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચાને ચમકાવે છે. કાળી પડી ગયેલી ત્વચા માટે દાણા લાભદાયક સાબિત થાય છે.
– બાળકોને કૃમિની તકલીફ થતી હોય તેમના માટે તેની છાલનો રસ કાઢી 4 ચમચી અને તેમાં 1 ચમચી તલનું તેલ ઉમેરી દિવસમાં એક વાર એમ સતત ત્રણ દિવસ પીવડાવવામાં આવે તો તેમાંથી રાહત મળી રહે છે.
– લીવરની સમસ્યાથી પીડાતા હોય તેને સેવન કરવું જોઈએ નહિ.
– ડાયટ પર હોય તો સેવન કરવું નહિ.
– કેલરીની માત્રા વધુ હોવાથી તે વજનમાં વધારો કરી શકે છે.
– લો બ્લડપ્રેશરની સમસ્યા વાળાએ સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
– સપ્રમાણમાં દાડમનું સેવન કરવાથી આપણા શરીરના રોગમુકત રાખી શકીએ છિએ.

Continue Reading

રાષ્ટ્રીય

આંખોનો ઈલાજ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી છે ડો.ખ્યાતિ કેશવાલાએ

Published

on

By

  • છેલ્લા પોણા બે વર્ષથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉપલેટામાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની ફરજ બજાવે છે ડો.ખ્યાતિ
  • નાનપણમાં ઇન્જેક્શન આપતા ડોક્ટરને પોતે મોટા થઈને ઇન્જેક્શન આપશે તેવો નિખાલસ ભાવ પોતાને ડોક્ટર બનાવશે તે ખબર નહોતી

મુંબઈમાં રહેતી એ નાનકડી દીકરી જ્યારે બીમાર પડતી અને ડોક્ટર ઇન્જેક્શન આપતા ત્યારે ગુસ્સે થઈને પોતાની માતાને કહેતી કે હું પણ મોટી થઈ ડોક્ટર બનીશ અને આ ડોક્ટર અંકલને ઇન્જેક્શન આપીશ.નાની બાળકીનો એ નિખાલસ ભાવ ખરેખર હકીકતમાં બદલાશે અને પોતે ડોક્ટર બનશે એ કોઈને ખબર નહોતી. એ બાળકી ડોક્ટર બનીને આજે અનેક લોકોની સારવાર કરી રહ્યા છે.તેમની સુંદર કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળ્યા છે.જન્મભૂમિ મુંબઈ પણ પોરબંદર અને ઉપલેટાને કર્મભૂમિ બનાવનાર ખ્યાતિ પામેલા આ ડોક્ટર એટલે ખ્યાતિ કેશવાલા.આ નામ ઉપલેટા અને આસપાસના શહેરોમાં ખૂબ જાણીતું છે, કારણ કે ખ્યાતિબેનની સરળતા,કામ પ્રત્યેની નિષ્ઠા અને લગન તેમજ હરહંમેશ દર્દીઓની ચિંતાના કારણે લોકોમાં તેમની ચાહના ખૂબ મોટી છે.

જન્મ અને અભ્યાસ મુંબઈમાં થયો. પિતા વેજાભાઈ કેશવાલા સીએ છે અને માતા મધુબાલા કેશવાલા ગૃહિણી હોવા છતાં ઉચ્ચ અભ્યાસ કરેલ હોવાથી દરેક બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્રણ ભાઈ-બેનમાં સૌથી મોટા એવા ખ્યાતિબેને ફાતિમા હાઇસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ અને નાયર હોસ્પિટલ ટીએમએનસી (ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ)માંથી એમબીબીએસ કર્યું. લગ્ન થતાં પોરબંદર આવવાનું થયું અને ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પતિ ડો. કાનાભાઈ ગરેજા પોરબંદરમાં આઇ સર્જન હોવાથી એ જ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું. જીપીએસસી ક્લિયર કરી હોવાથી ઉપલેટા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે ઓર્ડર મળ્યો.પ્રેગ્નન્સી હોવા છતાં આવેલી તક કેમ જવા દેવાય? એમ વિચારી કામ શરૂૂ કર્યું. પોતાના આ અનુભવ બાબત તેઓ જણાવે છે કે,‘હોસ્પિટલમાં એક રૂૂમ, એક ટોર્ચ અને એક ડીઓ સાથે કામની શરૂૂઆત કરી.ઓપરેશન થિયેટરની કે બીજી કોઈ વ્યવસ્થા નહોતી છતાં પીઆઈયુ ડીપાર્ટમેન્ટને રજૂઆત કરી મેડિકલ સર્જિકલ રૂૂમને ઓપરેશન થિયેટર બનાવી નાની નાની સર્જરી શરૂૂ કરી. જાતે જઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ અમરેલીથી સર્જરી માટેના મશીન લાવ્યાં. આ રીતે દર્દીઓની બધી જ સારવાર ઉપલેટામાં શક્ય બનાવી.પિતાજી તરફથી મળેલ ઈમાનદારીના ગુણો તેમજ થાક્યા કે હાર્યા વગર કામ કરવાની ધગશ જોઈને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો. આ રીતે ધીમે ધીમે ટ્રસ્ટ અને સરકારના સહયોગ મળતા ગયા અને તેમની હોસ્પિટલ સક્ષમ થતી ગઈ.’ આંખની કોઈપણ સારવાર હોય દર્દી સાજો, સારો થઈને જાય તેવી ખ્યાતિબેનની હૃદયપૂર્વકની ઈચ્છાના કારણે ધીમે ધીમે તેમની લોકપ્રિયતા વધવા લાગી.કોરોનામાં તેમની કામગીરીને લઈને તેમને પ્રોત્સાહન લેટર પણ મળ્યો હતો. હાલ તેઓ દરેક પ્રકારની સર્જરી અને સારવાર હોસ્પિટલમાં કરી રહ્યા છે. જામર, મોતિયો, વેલ, ત્રાસી આંખના ઓપરેશન, પ્રોસ્થેટિક આઈ, ઓક્યુલોપ્લાસ્ટિ, પાંપણ અંદર અથવા બહાર વળી જવી,બહાર ઢળી જવી વગેરે દરેક પ્રકારના ઓપરેશન તેઓ કરે છે. વીકમાં બે દિવસ ઓપીડી હોય છે એક દિવસમાં 20 જેટલા મોતિયાના ઓપરેશન તેઓ કરતા હોય છે આમ છતાં 350થી વધુનું વેઇટિંગ લીસ્ટ છે. ઉપલેટાના આજુબાજુના ગામડાં અમરેલી,વેરાવળ,સુરેન્દ્રનગર, જૂનાગઢ, સુરત, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર વગેરે જગ્યાએથી લોકો સારવાર માટે અહીં આવે છે.એક મહિના માટે તેઓ નાઇજીરિયા પણ ગયા હતા અને 1000થી વધુ સર્જરી કરી એવોર્ડ મેળવ્યો હતો.

છેલ્લા પોણા બે વર્ષથી તેઓ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે કોટેજ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની ફરજ બજાવે છે. ખ્યાતિબેનનો પરિવાર પોરબંદરમાં રહે છે તેઓને દસ વર્ષનો દીકરો અને આઠ વર્ષની દીકરી છે. પતિ ડો કાનાભાઈ ગરેજા આઈ સર્જન છે. સસરા અરજણભાઈ અને સાસુ ઊંધીબેન બંને બાળકોની કાળજી લે છે જેના કારણે તેઓ પોતાની કામગીરી સારી રીતે કરી શકે છે. પોરબંદરથી ઉપલેટા અપ ડાઉનમાં રોજનું 150 કિ.મી.નું ટ્રાવેલિંગ હોવા છતાં ખ્યાતિબેન કહે છે કે,‘હું મારા કામથી ખુશ છું. ટ્રાવેલિંગના સમયનો હું સદુપયોગ કરું છું અને ગમતા મુવી જોઉ છું અથવા તો ભગવત ગીતા પઠન કરું છું.’

તમારા સમય અને શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે જો તમે તમારો સમય અને શક્તિ સારી રીતે મેનેજ કરી શકો તો તમે ધારો તે સફળતા મેળવી શકો. ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે આ વાત ખૂબ જ યોગ્ય છે. જો તમે તમારી મદદ કરશો તો ભગવાન પણ તમને મદદ કરશે જેથી કંઈક કરવા માટે આગળ વધો અને તે હાંસિલ કરો.

મોબાઈલના નુકસાનથી બચવા આટલું કરો
ડો. ખ્યાતિબેન જણાવે છે કે મોબાઈલના અતિરેકના કારણે આંખના રોગો વધ્યા છે. એકધારું મોબાઇલ જોવાથી આંખ પટ પટાવવાની ક્રિયા ઓછી થાય છે, જેથી ડ્રાય આઈના પ્રશ્નો ઊભા થાય છે. ડ્રાય આંખ થવાથી ઈરિટેશન ,લાલ આંખ થવી અને ઘણી વખત નાના બાળકોને આંખો ત્રાસી પણ થઈ જાય છે. 45 મિનિટથી વધુ એકધારું મોબાઇલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ હાનિકારક છે. 45 મિનિટ થાય એટલે આંખ ખોલ-બંધ કરવી, દૂરનું જોવું, ગ્રીનરી જોવી તેમજ થોડી વાર આંખોને આરામ આપવો ખૂબ જરૂૂરી બની જાય છે. મોબાઇલના હિસાબે જ જે બેતાલા 40 વર્ષ પછી આવતા તે જલ્દી આવી જાય છે.

Continue Reading

રાષ્ટ્રીય

સ્વપ્નની ઉડાન સાર્થક કરવાનો સંદેશ આપી ગયા કવિતા ચૌધરી

Published

on

By

  • અનેકના જીવનમાં આશા,ઉત્સાહ, ઉમંગ અને પ્રેરણાની જ્યોત પ્રગટાવનાર કલ્યાણી સિંઘનું પાત્ર ભજવનાર કવિતા ચૌધરીનો જીવનદીપ 15 ફેબ્રુઆરીએ બુઝાઈ ગયો

એંશીના દશકમાં સ્ત્રી સશક્તિકરણ અથવા તો નારી શક્તિનો પવન હજુ આજ જેટલો ફૂંકાયો નહોતો. એ સમયે મહિલાઓને પ્રેરણા આપતી હિંમત અને બહાદુરીની ગાથા વર્ણવતી ટેલિવિઝન સિરિયલ ‘ઉડાન’ લોકો ખૂબ પસંદ કરતા. આ ઉડાન સિરિયલે અનેક મહિલાઓની આંખમાં ઓફિસર બનવાના સ્વપ્ન આંજ્યા હતા. આ ઉડાન સિરિયલે અનેક મહિલાઓ માટે સફળતાની કેડી કંડારી હતી. ઉડાનમાં વાત હતી એક મહિલાના સંઘર્ષની, કે જેણે એક સામાન્ય વ્યક્તિમાંથી આઈપીએસની ખુરશી સુધી પહોંચવાની સફર અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ખેડી હતી. સંઘર્ષ સામે જુસ્સા થી લડત આપતી આ નારી દરેક માટે શક્તિ સ્વરૂૂપા હતી. 15 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરની સ્ત્રી આઇપીએસ કલ્યાણી સિંઘમાં પોતાને જોતી હતી.આજે આ વાત યાદ કરવાનું કારણ એ છે કે અનેકના જીવનમાં આશા,ઉત્સાહ ઉમંગ અને પ્રેરણાની જ્યોત પ્રગટાવતી કલ્યાણી સિંઘનું પાત્ર નિભાવનાર કવિતા ચૌધરીનો જીવનદીપ 15 ફેબ્રુઆરીએ બુઝાઈ ગયો છે.

ાજથી ત્રણ દાયકા પહેલાં ટેકનોલોજીનો વ્યાપ નહોતો, ત્યારે દૂરદર્શન પર આંગળીના વેઢે ગણાય એટલાં કાર્યક્રમો લોકોના મનોરંજન માટે આવતા આવતા હતા. આવા સમયે પોલીસ યુનિફોર્મ પહેરેલ,કડક સ્વભાવ છતાં સંવેદનશીલ,લોકોને મદદરૂપ થનાર,ખોટા લોકોને સબક શીખવનાર આઇપીએસ કલ્યાણી સિંઘ એટલે કે કવિતા ચૌધરીએ લોકોના દિલમાં એક ખાસ સ્થાન મેળવ્યું હતું. સિરિયલ ઉડાન લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની હતી. પોતાની બહેન કંચન ચૌધરીની આઇપીએસ બનવાની સફરને બહેન કવિતા ચૌધરી બખૂબી કલમ વડે કંડારી એટલું જ નહીં પરંતુ અભિનય અને દિગ્દર્શન કરીને ઉડાનને આગવી ઓળખ આપી. કંચન ચૌધરી એ સમયે કિરણ બેદી પછી બીજા આઇપીએસ અધિકારી તેઓ બન્યા હતા તેમના અહીં સુધી પહોંચવાના સંઘર્ષની બહેન સાક્ષી હતા. કવિતા ચૌધરીની લેખન અને દિગ્દર્શનની સૂઝ બૂઝ અને અભિનયના કારણે લોકો આ સિરિયલની ઉત્સુકતાથી રાહ જોતા હતા. આ સિરિયલ આજના સમયમાં પણ સટીક છે કોરોનાના સમયમાં પુન: પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે પણ તેની લોકપ્રિયતા અડીખમ હતી. ઉડાનમાં સશક્ત અને બહાદુરીના ગુણો દર્શાવતા પાત્ર મુજબ કવિતા ચૌધરી રીયલ લાઇફમાં પણ એ જ રીતે જીવનનો જંગ લડ્યા. છેલ્લા થોડા સમયથી કેન્સરે તેમને ઘેરી લીધા હતાં છતાં હાર્યા નહીં અને અમૃતસર હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ સુધી મૃત્યુ સામે લડત આપી. આજે 50 અથવા તો 60 ની ઉંમરે પહોંચેલ દરેકને આ સમાચાર સાંભળીને દિલમાં દર્દ થયું હશે પરંતુ ગૌરવની વાત એ છે કે કોઈ એક પાત્ર નિભાવી લોકોના હૃદયમાં રાજ કરવું તે કોઈ નાની સુની વાત નથી તેઓએ પોતાના પાત્ર દ્વારા અનેક મહિલાઓને ઉડવાનું આકાશ આપ્યું હતું. સંજોગો સામે લડવાનું બળ આપ્યું અને મુશ્કેલી સામે ન હારવાનો મક્કમ ઈરાદો આપ્યો હતો.

કવિતા ચૌધરી વિશે તેની વિદાય બાદ અનેક વાતો લખાઈ ગઈ પરંતુ તેમની વિદાય દરેકના હૃદયમાં એક વાત કંડારતી ગઈ કે સમય અનેક સંઘર્ષ લઈને આવે છે પરંતુ બહાદુરીથી તેને સફળતામાં બદલાવવાનો જોશ અને જુસ્સો હંમેશા રાખજો. ઉડાન શબ્દ આગળ વધવાનું ,ઉડવાનું, સફળ થવાનું સૂચવે છે. તેઓએ ખરા અર્થમાં સ્વપ્નની ઉડાન સાર્થક કરવાનું શીખવ્યું છે.ટેલિવિઝનની દુનિયામાં ઓછું કામ છતાં કવિતા ચૌધરી પોતાની આઇપીએસની ભૂમિકાના કારણે લોકોના હૃદયમાં તેમનું એક ખાસ સ્થાન હતું. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા તેમની વિદાયના સમાચાર લોકો સુધી પહોંચ્યા ત્યારે દરેકની પ્રતિક્રિયા લાગણીશીલ બનાવી દે તેવી હતી.અનેકના પ્રેરણા સ્ત્રોત એવા કલ્યાણી સિંઘ ઉર્ફે કવિતા ચૌધરીને સલામ સાથે શ્રદ્ધાંજલિ.

કામગીરીની સફળ સફર
કવિતા ચૌધરીએ ‘યોર ઓનર’ અને ‘આઈપીએસ ડાયરીઝ’ જેવા શો પણ કર્યા હતા.આ શો ઉપરાંત, કવિતા ચૌધરી એ સમયની લોકપ્રિય ડીટરજન્ટ પાઉડરની જાહેરાતમાં લલિતાજીની ભૂમિકા ભજવવા માટે પણ જાણીતા બન્યા હતા જેમાં તેણીએ એક બુદ્ધિશાળી ગૃહિણીની ભૂમિકા ભજવી હતી. લેખન, અભિનય,દિગ્દર્શનમાં ખૂબ ઓછું પરંતુ ગુણવત્તા સભર કામગીરી કરી લોકોના દિલમાં ચાહ ઊભી કરી હતી.

Continue Reading

Trending