ખેડૂતોને ઇ-ધરા કેન્દ્ર પર ધક્કા ખાવામાંથી મુક્તિ આપતો મહેસુલ વિભાગનો નિર્ણય
રાજ્યની તમામ સહકારી બેંકોને ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરી શકે તે માટે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી ખેડૂતોને ગામ નમૂના નંબર-6માં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણ ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરાવવા માટે ઈ- ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવુ નહી પડે. ધિરાણનો બોજો બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે.
મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટની સહીથી શનિવારે રાતે પ્રસિધ્ધ ઠરાવમાં ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યો છે. ઠરાવમાં કહેવાયુ છે કે, ઈ-ધરા અંતગર્ત ગામ નમૂના નંબર- 6 (હક્કપત્રક)માં બોજા દાખલ અને બોજા કમીની ફેરફારની નોંધ બેંક દ્વારા દાખલ કરવા માટે સુપર એડમીન ક્રિએટ કરવા બાબતે સુપર એડમીન પાસવર્ડ મેળવવા સહકારી બેંકોના પ્રોજેક્ટ ઓફિસર જ.ખ.ઈ.ને અધિકૃત કરવામાં આવ્યા છે.
આ સ્થિતિમાં ગતવર્ષે ઓક્ટોબર- 2023માં પંચમહાલના કલેક્ટરે વિભાગ સમક્ષ પંચમહાલ જિલ્લા સહકારી બેંક લિમિટેડની એફિલિએટેડ ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને મળતા કૃષિ- વિષયક ધિરાણના બોજા દાખલ કે મુક્તિની નોંધ પાડવાની સત્તા પંચમહાલ જિલ્લા સહકારી બેંક લિમિટેડને આપવા માર્ગદર્શન માંગ્યુ હતુ. સરકારે પુખ્ત વિચારણાને અંતે આ પ્રકારના ધિરાણની સ્થિતિમાં રાજ્યની તમામ સહકારી બેંક સંલગ્ન ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરવાની નોંધ, ગામ નમૂના નંબર- 6(હક્કપત્રક)માં પાડવા માટે રાજ્યની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી તમામ સહકારી બેંકો સંલગ્ન ખેતી વિષયક સેવા મંડળીઓનું ઓથોરાઈઝેશન મેળવીને જે તે સભાસદની જમીનમાં સંલગ્ન ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના નામ સાથેનો બોજો દાખલ તેમજ યથા પ્રસંગે બોજા કમી થાય તે અંગે તકેદારી રાખવી પડેશે. હવે ખેડૂતોને આ પ્રક્રિયા માટે ઈ-ધરા કેન્દ્ર સુધી જવાની માથાપચ્ચીથી મુક્તિ મળશે.

