Site icon Gujarat Mirror

ગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચન

ગુજરાતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યારાઓની ટાંટીયા તોડ સર્વિસ થશે. કાયદાનો સકંજો એટલો મજબુત હશે કે, ગૌહત્યા કરનારાઓના ચાલ અને હાલ પણ બદલાઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, હું જાહેરમાં વચન આપું છું કે, ગૌમાતાની હત્યા કરનારા ગમે ત્યાં છુપાયા હશે તો પણ બચી શકશે નહીં.

સુરતમાં તાપીના કિનારે, અત્યંત આધુનિક એવા ’અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન’નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે તેમણે પોલીસની કામગીરી અને સરદાર સાહેબના મૂલ્યો વિશે ઊંડી વાત કરી, તો બીજી તરફ ગુનેગારોને ખુલ્લી ચેતવણી પણ આપી.કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ ’તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓને ₹51 લાખની રકમ અને હીરા પરત કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, જે ભેજાબાજો કાપડ કે હીરાની ખરીદી કરી પેમેન્ટ આપ્યા વગર ભાગી જાય છે, તેમને દેશના કોઈપણ ખૂણેથી સુરત પોલીસ પકડી લાવશે.

આ પોલીસ મથકમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું છે. હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીને રોજ સરદાર સાહેબને વંદન કરી તેમના વિચારોને અનુસરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો સરદાર સાહેબે રજવાડાં એક ન કર્યા હોત, તો આજે દ્વારકા જવા માટે પણ વિઝા લેવા પડત. પીએમ મોદીએ સરદાર સાહેબના કર્મોને વિશ્વ સુધી પહોંચાડ્યા છે.ગૃહ મંત્રીએ હેલમેટના નિયમ અંગે પણ ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, હેલમેટ માટે મેં અને પોલીસે ઘણી ગાળો ખાધી છે, પણ એ ગાળો લોકોના જીવ બચાવવા માટે ખાધી છે.” તેમણે ઉતરાયણમાં લોકોના જીવ બચાવવા બાઈક પર ’સ્ટીલ ફ્રેમ’ ફ્રીમાં લગાવી આપવા સામાજિક અપીલ કરી હતી.

Exit mobile version