Site icon Gujarat Mirror

ટાંકીઓ ફૂલ, પેટ્રોલ પંપો ખાલી… લાઇનો ગાયબ

oplus_0

અફવાની આંધી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો યથાવત રહેતા વાહન ચાલકોને શાંતિ, તંત્રને મોટી રાહત

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે સતત બે દિવસ સુધી પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાઇનો આજથી ગાયબ થઇ ગઇ છે. બે દિવસમાં લોકોના વાહનોની ટાંકીઓ ફુલ થઇ ગઇ છે અને ભેગુ કરાય તેટલું પેટ્રોલ-ડીઝલ ભેગુ કરી ઘરોમાં જમા કરી દીધું છે. હવે જગ્યા નહીં બચતા આજથી પેટ્રોલપંપો ઉપરની લાઇનો ગાયબ થઇ ગઇ છે. પેટ્રોલ પંપો ઉપર ધસારો બંધ થતા સરકારી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આજે તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ- ડીઝલનો જથ્થો રાબેતા મુજબ ચાલુ જ રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને પણ શાંતિ થઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અફવાઓને કારણે ગુજરાતમાં બે દિવસથી પેટ્રોલ-ડીઝલના પંપ પર જે લાંબી કતારો જોવા મળી રહી હતી, તેમાં આજે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ પંપ પર સામાન્ય વાહનોની આવક જોવા મળી અને ક્યાંય લાંબી કતારો ગુમ થઇ ગઇ છે.

રાજ્ય સરકાર અને તેલ કંપનીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પર્યાપ્ત બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી.
મંગળવારે પેનિક ખરીદીને કારણે પેટ્રોલનું વેચાણ બમણું થઈ ગયું હતું, પરંતુ સરકારી આશ્વાસન અને સતત સપ્લાયને કારણે આજે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. અધિકારીઓએ અફવાઓ ફેલાવનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જરૂૂર પડે ત્યારે જ પેટ્રોલ-ડીઝલ ભરાવે અને અસામાન્ય ખરીદી ટાળે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

અછતની ખોટી અફવા ફેલાવનાર એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાયો
શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. 24/03/2026 ના રોજ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના અધિકારી દ્વારા એક મહત્વની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હોવાની ખોટી અફવા ફેલાવી હતી. વાસ્તવમાં કંપની પાસે પૂરતો જથ્થો હોવા છતાં, આ પાયાવિહોણી અફવાને કારણે ગભરાયેલા લોકો પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. જેના લીધે લાંબી કતારો લાગી હતી અને સામાન્ય જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેનાથી શહેરમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી. IOCLના ડિવિઝનલ રિટેલ સેલ્સ હેડ અમિત શિવપ્રસાદ જયસ્વાલની ફરિયાદના આધારે પોલીસે ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 353(1)(બી) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 7, અને 9(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે વૈશ્વિક યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકાર પુરવઠો જાળવી રાખવા પ્રયત્નશીલ છે, ત્યારે આવા ખોટા નિવેદનો કાયદો અને વ્યવસ્થા ખોરવી શકે છે. હાલમાં આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ વિક્રમભાઈ ધ્રાંગુને સોંપવામાં આવી છે અને અફવા ફેલાવનારા અન્ય લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Exit mobile version