Site icon Gujarat Mirror

જામકંડોરણાના મામલતદાર ઓફિસમાં તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી ધમકી

જામકંડોરણા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી પર હુમલાની ઘટના સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત કર્મચારી સાથે અરજી સ્વીકારવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી અરજી દેવા આવેલા એક શખ્સે ગાળો આપી, લાફો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ રાજકોટના જામનગરરોડ ઉપર શેઠ નગરમાં રહેતા અને જામકંડોરણા મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાતા પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ. 32) ગત તા. 15/04/2026ના રોજ બપોરના સમયે ઓફિસમાં ચૂંટણીલક્ષી મહત્વની કામગીરી કરી રહ્યા હતા. બપોરે જામકંડોરણાનો નીલેશભાઈ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને પોતાની અરજી સ્વીકારવા માટે તલાટી પર દબાણ કરવા લાગ્યો હતો. તલાટી પુષ્પરાજસિંહે જણાવ્યું હતું કે, “અત્યારે હું ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છું અને અરજી સ્વીકારવાનું ટેબલ અલગ છે, તમે ત્યાં આપી દો”. આ સાંભળતા જ નીલેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મોબાઈલ ફોનમાં વીડિયો શૂટિંગ ચાલુ કરી કર્મચારીઓને દબાણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

અરજદાર નીલેશભાઈએ તલાટીના ટેબલ પર હાથ પછાડી કાગળોનો ડૂચો વાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તલાટીએ તેમને અટકાવ્યા, ત્યારે આરોપીએ તેમનો કોલર પકડી લીધો હતો અને ગાલ પર એક થપ્પડ ઝીંકી દીધી હતી. આ સમયે ઓફિસમાં હાજર અન્ય કર્મચારીઓ સુમિતભાઈ, હરેશભાઈ અને જયેશભાઈએ વચ્ચે પડીને તલાટીને છોડાવ્યા હતા. જતી વખતે આરોપીએ “તુ ઓફીસ બહાર નીકળ તને આજે મારી ન નાખુ તો કેજે” તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ ભોગ બનનાર તલાટી પુષ્પરાજસિંહે એ મામલતદાર બી.પી. કટકપરાને જાણ કરી જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી નીલેશભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 121(1): સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ , 351(3) અને 352 હેઠળ ગુનો દાખલ કર્યો છે: આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર હેમુભાઈ ગોહેલ ચલાવી રહ્યા છે.

Exit mobile version