ભારતના ઈતિહાસમાં જો કોઈ એવું મહાન વિચક્ષણ, તત્ત્વચિંતક અને યુવા પ્રેરણાનાં સ્તંભ બનેલા વ્યક્તિત્વની ચર્ચા થાય તો સ્વામી વિવેકાનંદનું નામ જ પહેલા યાદ આવે. સ્વામી વિવેકાનંદ ભારતના પ્રખર આધ્યાત્મિક સંત હતા. ભારતીય સમાજ જયારે અંધકાર, અશક્તિ, અંધશ્રદ્ધા અને આંતરિક વિખવાદોમાં સપડાયેલો હતો, ત્યારે સ્વામી વિવેકાનંદે જાગૃતિનો એવો નાદ કર્યો કે સમગ્ર રાષ્ટ્રની આત્મા જાગી ગઈ. કારણકે તેમના દરેક શબ્દોમાં આગ હતી, હિંમત હતી તેમજ જીવનને નવી દિશા આપનાર અપાર શક્તિ હતી. જાગૃતિની એવી ચિનગારી જગાવી, જેનાથી કરોડો યુવાનોને ઊભા થવાની ઉમદા શક્તિ આપી.
સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકાતા હાઇકોર્ટમાં એટર્ની હતા. તેમના પિતાએ બૌદ્ધિક દિમાગથી તથા માતા ભુવનેશ્વરી દેવીએ આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક સ્વભાવથી જ સ્વામીજીની વિચારસરણી પર ખૂબ સારી અસર પાડી. પરિણામે બાળપણથી જ તેમનામાં અસાધારણ ગુણો વિકસિત થયા.
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી જ શરૂૂ કર્યો હતો. સ્વામીજીને ઘણા વિષયોમાં રસ હતો, જેમ કે તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સાહિત્ય જેવા અનેક વિષયોમાં પારંગત બન્યા. નાનપણથી જ સ્વામીજીએ વેદ, ઉપનિષદો, ભગવદ્ગીતા, મહાભારત, રામાયણ અને અનેક પુરાણોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ રમતગમતમાં ખૂબ સક્રિય હતા. થોડા સમજણા થયા ત્યારથી જ સ્વામીજીએ પાખંડી જેવા રીતરિવાજો, જ્ઞાતિવાડા અને ધર્મવાડા સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આટલી નાની ઉંમરમાં આટલા મસમોટા કામ કરનાર સ્વામીજીએ ઘણા બધાને ખોટા કામ કરતા અટકાવ્યા છે.
યાદશક્તિમાં આજ સુધી સ્વામીને હંફાવી શકે એવું કોઈ જન્મ્યું જ નથી. નદીકિનારે શાંત જગ્યા ગોતીને પુસ્તક વાંચવા બેસી જતા. જયારે વાંચતા હોય ત્યારે આજુબાજુના કોઈ અવાજ પણ તેને ભ્રમિત ના કરતા. આ જ રીતે નાનપણથી જ ધ્યાનની કેળવણી સારી એવી મેળવી લીધી હતી. ધ્યાનમાં બેસતા ત્યારે તે અહીંથી દૂર એવા એક દિવ્ય પ્રકાશમાં ભળી જતા. ધ્યાન દરમિયાન તેમને બુદ્ધના દર્શન થતા. તેમના મતે સફળતાનું રહસ્ય એકાગ્રતા અને સતત પ્રયત્નમાં છે. તેમનું અતિ ઉર્જાવાન અને શક્તિશાળી સૂત્ર આજે પણ દરેકને ઉર્જા આપી રહ્યું છે.
“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
રામકૃષ્ણ પરમહંસ સાથે પહેલીવારની તેમની મુલાકાત સ્વામીજીની જિંદગીનો સંક્રાંતિકાળ પૂરવાર થઈ હતી. પાંચ વર્ષની તાલીમ દરમિયાન ઈશ્વરને પામવા માટે સ્વામીજીએ નશ્વર તમામ ચીજોને છોડી દીધી હતી. રામકૃષ્ણ પરમહંસના સાનિધ્યમાં આવ્યા પછી નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ રામકૃષ્ણ પરમહંસના પરમ ભક્ત હતા. સ્વામીજી હંમેશા એકવાત પર કાયમ અડગ રહ્યા કે ” માનવસેવા એ જ પ્રભુસેવા.” મંદિરો કે બીજે ગમે ત્યાં ગમે એટલા ફાળા આપો પણ જો તમારામાં માણસાઈ જ ના હોય તો આ દાન વ્યર્થ જ જાય છે. દુનિયાને બદલવા કરતા પહેલાં પોતાને બદલો, કેમકે પરિવર્તન હંમેશા અંદરથી જ શરૂ થાય છે. સ્વામીજીના આવા તો અનેક વિચારોની દેશ-વિદેશોમાં અનેક વિદ્વાનોએ તેમજ તેમના ચાહકોએ ખૂબ પ્રસંશા કરી હતી. ઉપરાંત સ્ત્રીસશક્તિકરણ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “સ્ત્રીસશક્તિકરણ વગર કોઈ રાષ્ટ્ર ક્યારેય પ્રગતિ કરી શકતું નથી.”
નાની ઉંમરથી જ તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ તેમજ આશ્રમમાં વસતા તમામ સાથે વાતચીતોને લીધે આરામ નહિવત થતો. તેથી જ તે અસ્થમા અને ડાયાબિટીસ જેવી લાંબી બીમારીમાં સપડાયા. આવી ભયંકર બીમારી હોવા છતાં પ્રજાને જરૂૂર પડ્યે ઊંઘમાંથી ઉઠતા પણ અચકાતા નહીં. જીવ્યા ત્યાં સુધી જ્ઞાન આપતા જ રહ્યા. તેમના વિચારો આજે પણ યુવાનોને આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને જીવનમાં ઊંચા આદર્શ તરફ દોરી જાય છે. સ્વામી વિવેકાનંદ એક એવા યુગપુરૂષ છે, જેમણે ભારતને વિશ્વના નકશા પર એક શક્તિશાળી આધ્યાત્મિક રાષ્ટ્ર તરીકે ઓળખ અપાવી. “ખરેખર, આવા મહાન જ્ઞાની સંતો ભારતભૂમિ પર જ જન્મી શકે.”

