રેલવેની ટીમે સાસણ સહિત પાંચ મુખ્ય સ્ટેશનોનું કરેલું નિરીક્ષણ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ગીરના જંગલમાંથી પસાર થતા ઐતિહાસિક મીટરગેજ રેલવે ખંડને ’રેલ સફારી’ તરીકે વિકસાવવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂૂપે મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્માએ ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને વિવિધ સ્ટેશનો અને ટ્રેકનું વ્યાપક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન રેલવેની ટીમ દ્વારા મીટરગેજ ખંડ પર આવેલા સાસણ ગીર સહિતના 5 મુખ્ય સ્ટેશનો સવની, તાલાલા જંકશન, કાંસીયાનેશ, સાસણ ગીર, વિસાવદરની મુલાકાત લીધી હતી.
નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ગીર વિસ્તારના આ માર્ગને પ્રવાસન નકશા પર લાવવાનો છે. દિનેશ વર્માએ મીટરગેજ ખંડની વારસાગત વિશેષતાઓ અને પર્યટન સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું. સાસણ ગીર સહિતના સ્ટેશનોની ઐતિહાસિક ઓળખ જાળવી રાખીને ત્યાં આધુનિક સુવિધાઓ અને ’રેલ સફારી’ વિકસાવવા અંગે શાખા અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રેલવે પ્રબંધકે ટ્રેક માળખું, સિગ્નલિંગ સિસ્ટમ, પ્લેટફોર્મ વ્યવસ્થા અને મુસાફર સુવિધાઓની સમીક્ષા કરી હતી.
તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રેલવે વિભાગની ઉચ્ચ કક્ષાની સૂચના મુજબ તાલાલા-સાસણ-કાંસીયાનેશ-વિસાવદર મીટરગેજ ટ્રેકને “રેલ સફારી” તરીકે ડેવલપ કરવા માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ અંગેનો વિગતવાર અહેવાલ રેલવે બોર્ડ અને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે. ઉચ્ચ સ્તરેથી મંજૂરી મળ્યા બાદ રેલ સફારી ક્યારથી અને કયા સ્વરૂૂપે શરૂૂ થશે તેની જાહેરાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી ગીર આવતા પ્રવાસીઓને જંગલનો એક નવો અને અનોખો અનુભવ મળશે, સાથે જ આ વિસ્તારના રેલવે વારસાનું સંરક્ષણ પણ થશે.

