લોકોની સાથે સંવાદનો એકમાત્ર ઉદેશ
અજિત પવારના અકસ્માતમાં થયેલા મૃત્ય પછી નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ની જવાબદારી સુનેત્રા પવાર સંભાળી રહ્યાં છે. હવે પક્ષને સંભાળવા અને કાર્યકરોમાં ચેતના જગાડવા સુનેત્રા પવાર મહારાષ્ટ્રની યાત્રા કરવાનાં છે અને એ યાત્રાને ’અજિતદાદા સ્મૃતિયાત્રા’ નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી બારામતી અને પુણે જિલ્લા સુધી જ કાર્યરત રહેલાં સુનેત્રા પવારે હવે પક્ષની ધુરા સંભાળી છે ત્યારે આખા રાજ્યમાં તેઓ યાત્રા કરવાનાં છે.
આ યાત્રા ફક્ત રાજકીય પ્રવાસ નહીં હોય પણ એ સાંત્વન સ્વરૂૂપની હશે. અજિતદાદાના નિધન પછી આખા રાજ્યમાં અરેરાટી ફેલાઈ છે એટલે લોકોની ભાવનાને ઓળખીને તેમની સાથે સંવાદ કરવો એ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હશે. અજિતદાદાની યાદ સાથે તેમણે કરેલાં કામ લોકો સુધી પહોંચાડવા આ યાત્રા એક પ્રભાવી માધ્યમ ઠરશે.
આવનારા કેટલાક દિવસોમાં સ્વરાજ સંસ્થાની ચૂટંણીઓ થવાની છે. એ જોતાં સુનેત્રા પવારની આ યાત્રા એનસીપી માટે મહત્ત્વની મનાઈ રહી છે. સુનેત્રા પવાર માટે બારામતીથી બહાર અને આખા રાજ્યનું નેતૃત્વ કરવાનો આ પહેલો પ્રસંગ છે એટલે રાજ્યની જનતાની નજર તેમના પર છે.
અજિત પવાર મોટા ભાગે મંત્રાલયમાંથી તેમનાં બધાં જ કામ કરતા હતા. એ જ પ્રમાણે સુનેત્રા પવાર પણ મોટા ભાગે સોમવારે 9 તારીખથી મંત્રાલયમાં જ આવેલી તેમની ઑફિસમાં બેસી કાર્યભાર સંભાળશે. અજિતદાદાના અકસ્માતમાં થયેલા નિધન બાદ પવાર પરિવારે તેમના દસમાનું કાર્ય (ધાર્મિક વિધિ) ત્રીજા જ દિવસે આટોપી લીધી હતી અને એ પછી સુનેત્રા પવારે ચોથા દિવસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના શપથ લીધા હતા.
પ્રફુલ પટેલની મોદી, અમિત શાહ વચ્ચે બંધબારણે બેઠક
એક બાજુ બન્ને NCPના વિલીનીકરણની વાતો થઈ રહી છે ત્યારે બીજી બાજુ ગઈ કાલે પ્રફુલ પટેલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મીટિંગ કરી હતી. જોકે બંધ દરવાજાની અંદર પાંચથી છ જ મિનિટ ચાલેલી એ મીટિંગમાં શું ચર્ચાયું એ વિશે કોઈ માહિતી બહાર આવી નહોતી. દિલ્હીમાં હાલ લોકસભાનું બજેટ સેશન ચાલે છે. પીએમ મોદી એનડીએના તમામ સાંસદો સાથે બેઠક કરી રહ્યા છે. એ વખતે તેમણે અજિત પવારને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. એ પછી પ્રફુલ પટેલ સાથે તેમણે મીટિંગ કરી હતી. પ્રફુલ પટેલ એનસીપીના મોટા નેતા છે અને કેન્દ્રીય સ્તરે જે નિર્ણયો લેવાના હોય એ પક્ષ તરફથી તેઓ લેતા હોય છે. એથી તેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેની આ મીટિંગ મહત્ત્વની હોવાનું કહેવાઈ રહ્યું છે.

